________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨: આત્મભાવના ભિન્ન આત્માને કયારે ધ્યાવે? ને તેને સમાધિ કે મોક્ષમાર્ગ કયાંથી થાય? તે તો પરમાં લીન થઈને સંસારમાં રખડે છે.
આત્મા તો સ્વપરપ્રકાશક જ્ઞાતા છે, આ આંખ તો જડ છે, તે આંખ કાંઈ જાણતી નથી; આ શરીર, ઇન્દ્રિયો, મન, વચન તે બધાંય જડ છે, તે કોઈ આત્મા નથી, આત્મા તે કોઈની ક્રિયાનો કરનાર નથી, આત્મા તો પોતાના જ્ઞાન-આનંદસ્વરૂપ છે.-આ પ્રમાણે જેનાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રમાં પરથી ભિન્ન ચૈતન્યતત્ત્વનો સ્વીકાર છે તે જીવ મુક્તિ પામે છે.
શરીર-મન-વાણીને જ જે પોતાનું સ્વરૂપ માને છે તેને શરીરાદિ જડથી ભિન્ન પોતાનું જ્ઞાન-આનંદસ્વરૂપ ભાસતું નથી, એટલે શરીરાદિ ઉપરની દૃષ્ટિથી તેને સદાય અસમાધિ જ રહે છે. જ્ઞાની તો જાણે છે કે દેહ-મન-વાણી તે કોઈની સાથે મારે કાંઈ લાગતું વળગતું નથી; તેને ગમે તે થાઓ, હું તો જ્ઞાન-આનંદસ્વરૂપ જ છું–આવા ભાનમાં ચૈતન્યસ્વરૂપના આશ્રયે ધર્મીને સમાધિ થાય છે. શરીરમાં રોગાદિ આવે કે નીરોગી રહે-તે બન્ને દશામાં હું તો તેનાથી જુદો જ છું-એમ જાણીને જ્ઞાની પોતાના ચૈતન્યસ્વભાવની જ ભાવના કરે છે. અજીવના એક અંશને પણ પોતાનો માનતા નથી; એટલે તે તો ચૈતન્યસ્વભાવમાં લીન થઈને મુક્તિ પામે છે. આ રીતે ભેદજ્ઞાનને મોક્ષનું કારણ જાણીને હે જીવ! તું નિરંતર તેનો ઉધમ કર. (૬૨)
*
*
*
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com