________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૧૩ દેહમાં જેને આત્મબુદ્ધિ છે તે દેહને સરખો રાખવા રાત-દિન તેનો પ્રયત્ન ને ચિંતા કર્યા કરે છે. પુત્રનો જેને પ્રેમ છે તે પુત્રની પાછળ દિનરાત કેવો ઝૂરે છે! ખાવા-પીવામાં ક્યાંય ચિત્ત લાગે નહિ ને “મારો પુત્ર’ એવી ઝૂરણા તે નિરંતર કર્યા કરે છે! તેમ આ ચૈતન્યસ્વરૂપ આત્માની જેને ખરેખરી પ્રીતિ છે તે તેની પ્રાપ્તિ માટે દિનરાત ઝૂરે છે એટલે કે તેમાં જ વારંવાર પ્રયત્નો કર્યા કરે છે... વિષયકષાયો તેને રુચતા નથી...એક ચૈતન્ય સિવાય બીજે ક્યાંય ચેન પડતું નથી. એની જ ભાવના ભાવે છે...એની જ વાત જ્ઞાનીઓ પાસે પૂછે છે... એના જ વિચાર કરે છે. જેમ માતાના વિયોગે નાનું બાળક ઝૂરે છે ને તેને ક્યાંય ચેન પડતું નથી, કોઈ પૂછે છે કે તારું નામ શું?તો કહે છે કે “મારી બા !” ખાવાનું આપે તો કહે કે “મારી બા !' એમ એક જ ઝૂરણા ચાલે છે. માતા વગર તેને ક્યાંય જંપ વળતો નથી, કેમ કે તેની રુચિ માતાની ગોદમાં જ પોષાણી છે; તેમ જિજ્ઞાસુ આત્માર્થી જીવની રુચિ એક આત્મામાં જ પોષાણી છે, આત્મસ્વરૂપની મને પ્રાપ્તિ કેમ થાય-એ સિવાય બીજું કાંઈ તેને રુચતું નથી....દિનરાત એ જ ચર્ચા એ જ વિચાર..એ જ રટણા... એને માટે જ ઝૂરણા ! જાઓ, આવી અંદરની ધગશ જાગે ત્યારે આત્માની પ્રાપ્તિ થાય. અને આત્માની જેને એકવાર પ્રાપ્તિ થઈ ગઈ અનુભવ થઈ ગયો તે સમકિતી પણ પછી વારંવાર તેના આનંદની જ વાર્તા-ચર્ચા-ભાવના કરે છે. “આત્માનો આનંદ આવો.. આત્માની અનુભૂતિ આવી... નિર્વિકલ્પતા આવી એમ તેની જ લગની લાગી છે. જ્ઞાન ને આનંદ જ મારું સ્વરૂપ છે-એમ જાણીને એક તેની જ લય લાગી છે, તેમાં જ ઉત્સાહુ છે, બીજે ક્યાંય ઉત્સાહ નથી. આવી જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની ભાવનાથી ને દઢ પ્રયત્નથી અજ્ઞાન છૂટીને જ્ઞાનમય નિજપદની પ્રાપ્તિ થાય છે. (૫૩)
* * * * * * * * * * * * * * * * * * * * * *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com