________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪: આત્મભાવના
ચૈતન્યઆત્મા ઇન્દ્રિયગોચર નથી
અજ્ઞાનીને બાહ્યદષ્ટિ હોવાથી, બહારમાં દેખાતા આ ત્રણ લિંગરૂપ શરીરોને જ આત્મા તરીકે જાણે છે અને જ્ઞાની તો અંતર્દષ્ટિ વડે તે સ્ત્રી-પુરુષના શરીરથી જુદો આત્મા જાણે છે-એમ કહે છે
दृश्यमानमिदं मूढस्त्रिलिंगमवबुध्यते।
इदमित्यवबुद्धस्तु निष्पन्नं शब्दवर्जितम्।।४४।।
મૂઢ અજ્ઞાની બહિરાત્મા બાહ્યમાં દશ્યમાન એવાં સ્ત્રી-પુરુષ આદિ શરીરને જ દેખે છે, એટલે તેને જ આત્મા માને છે, આત્મા જ ત્રણલિંગના ત્રણભેદરૂપ છે એમ તે માને છે; પણ જ્ઞાની તો શરીરથી ભિન્ન અને વચનથી પાર અનાદિસ્વયંસિદ્ધ ચૈતન્યમય પોતાના આત્માને જાણે છે.
જે જીવ રાગને જ આત્મા માને છે, રાગથી લાભ માને છે તે જીવ ખરેખર શરીરને જ આત્મા માને છે, કેમ કે શરીર તે રાગનું ફળ છે. જ્ઞાની જાણે છે કે આ દેહ હું નથી, જેનાથી આ દેહ મળ્યો તે ભાવ પણ મારું સ્વરૂપ નથી, હું તો જ્ઞાયકશરીરી અશરીરી છું અતીન્દ્રિયજ્ઞાન જ હું છું. અજ્ઞાની તો ઈન્દ્રિયો વડે દશ્યમાન દેહને જ દેખે છે, ચૈતન્ય તો તેને અદશ્ય જ લાગે છે. જ્ઞાની જાણે કે દશ્યમાન એવા દેહાદિ હું નથી, પણ તેનો જે દષ્ટા છે, અને જે ઇન્દ્રિયાતીત છે તે જ હું છું. હું પુરુષ નથી, હું તો આત્મા છું, હું સ્ત્રી નથી, હું તો આત્મા છું, ઇન્દ્રિયનાં કોઈ ચિહ્નો હું નથી, ને તે ચિહ્નો વડે હું ઓળખાતો નથી; હું તો શરીરના ચિહ્નોથી પાર અલિંગ છું, મારો આત્મા ઇન્દ્રિયાદિ લિંગોથી અગ્રાહ્ય છે એટલે અલિંગગ્રાહ્ય છે, અતીન્દ્રિયજ્ઞાન વડે જ અનુભવમાં આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com