________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬: આત્મભાવના માને છે, તેને તો મૂળમાં ભૂલ છે. જ્યાં મૂળમાં ભૂલ છે ત્યાં જે કોઈ સાધન કરે તે બધા વ્યર્થ છે. આત્માના જ્ઞાનવગર તે ભૂલ ટળે નહિ તે નિર્વાણ પામે નહિ. માટે મુમુક્ષુ-મોક્ષાર્થી જીવને દેહથી ભિન્ન સ્વસંવેદ્ય જ્ઞાનાનંદ તત્ત્વ જાણવાનો ઉપદેશ છે.
મોક્ષ તો દેહરહિત છે-રાગરહિત છે. દેહને તથા રાગને જ જે આત્માનું સ્વરૂપ માને તે તેનાથી કેમ છૂટે? ચૈતન્યસ્વભાવ દેહથી ને રાગથી પાર છે, એનું સ્વસંવેદન તે જ મોક્ષનો ઉપાય છે. અજ્ઞાની દેહને તથા રાગને આત્મા માનીને, મંદકષાયથી તપ વગેરે જે કાંઈ કરે તે બધુંય કણ છોડીને માત્ર ફોતરાં કૂટવા જેવું છે; તેના તપને જ્ઞાનીઓ અજ્ઞાનતપ-કુતપ-બાલતપ કહે છે. અને એવા અજ્ઞાન-તપથી કદી મુક્તિ થતી નથી. રાગાદિથી લાભ માનનારને મંદકષાય કહેવો તે પણ વ્યવહારથી (માત્ર શુભ પરિણામની અપેક્ષાએ) છે, બાકી અભિપ્રાય અપેક્ષાએ તો તે અનંતા કષાયમાં ડૂબેલો છે.
ચેતનસ્વરૂપ આત્માના અંતરંગ પરિચય વગર શુભ રાગથી ગમે તેટલાં વ્રત-તપ કરે તોપણ મુક્તિનો ઉપાય હાથ આવતો નથી. દેહથી ને રાગથી છૂટું પડવું છે તેને બદલે તે દેહને ને રાગને જ આત્મા માને તે તેનાથી છૂટો કયારે પડે? દેહથી ને રાગથી ભિન્ન, હું તો ચૈતન્યસ્વરૂપ છું-એવું જ્ઞાન કરીને તેમાં એકાગ્રતાવડે જ જીવ મુક્ત થાય છે.
અજ્ઞાનીને ચૈતન્યના આનંદનું ભાન નથી એટલે તેના વ્રત તપ તો સંસારના ભોગના હેતુએ જ છે; આત્માના અતીન્દ્રિય ચૈતન્ય -વિષયની રુચિ છોડીને જેણે વ્રત-તપના રાગની રુચિ કરી તે જીવને સંસારના ભોગની જ વાંછના છે; કેમ કે રાગનું ફળ તો સંસારમાં સ્વર્ગાદિ ગતિમાં ઇન્દ્રિયભોગની પ્રાપ્તિ છે; અને તે સંસારના ભોગની વાંછના તે તો મોટું અશુભ (-મિથ્યાત્વ) છે; તેના ફળમાં તે જીવ ઘોર સંસારમાં પરિભ્રમણ કરશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com