________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૩૧
અરે! તારું ચૈતન્યતત્ત્વ ભયનું સ્થાન નથી, તે મૂંઝવણનું સ્થાન નથી, દુ:ખનું સ્થાન નથી; તારું ચૈતન્યતત્ત્વ અભયપદનું સ્થાન છે...શાંતિસ્વરૂપ છે....આનંદનું ધામ છે. આવા આત્મતત્ત્વ સિવાય બહારમાં તને કોઈ પણ ચીજ શરણ નથી, તને બીજું કોઈ નિર્ભયતાનું સ્થાન નથી. અરે! આવો ભગવાન આત્મા અભયસ્થાન હોવા છતાં મૂઢ આત્માઓ તેનાથી ડરે છે, તેની રુચિ કરતા નથી પણ ખેદ કરે છે;–પરિણામમાં ચંચળતા સંદેહ કરે છે તે જ ભય છે. એટલે નિઃશંકપણે તેમાં એકાગ્ર થતા નથી. બહારમાં દેહ કુટુંબ, લક્ષ્મી વગેરેમાં સુખ માનીને તેમાં નિઃશંકપણે ભયવગર પ્રવર્તે છે.....પણ તેમાં કયાંય સુખ નથી, તે કોઈ શરણનું સ્થાન નથી. એક ચૈતન્યપદ જ અભય છે...તે જ શરણનું સ્થાન છે....માટે નિર્ભયપણે તેમાં પ્રવર્તો .....‘ સ્વામી ’ નો ઉપદેશ છે.
ચૈતન્યસ્વભાવ પ્રત્યે હોંશ લાવતો નથી ને બહારમાં હોંશ લાવીને પ્રવર્તે છે, તેને ચૈતન્યનો ડર લાગે છે, ભય લાગે છે. જેને ભયનું સ્થાન માને તેમાં કેમ પ્રવર્તે? અને જેને અભયસ્થાન માને તેને કેમ છોડે? ચૈતન્યસ્વભાવનો વિશ્વાસ અજ્ઞાનીને આવતો નથી એટલે નિઃશંકપણે તેમાં ઉલ્લાસ કરતો નથી, તેનાથી દૂર ભાગે છે, ને વિષયોની સમીપ ઉલ્લાસથી દોડે છે, તેમાં સુખનો વિશ્વાસ કરે છે; જેમ મૃગજળની પાછળ મૃગ દોડે તેમ વિષયો પ્રત્યે તે દોડે છે....
બાહ્ય વિષયોને શરણ માનીને તેની પાછળ ઝાંવા નાંખીનાંખીને દોડે છે ને આકુળતાથી દુઃખી થાય છે. જ્યાં સુખની સત્તા ભરી છે એવા પોતાના આત્માની સત્તાનો તો વિશ્વાસ કરતો નથી, તેની આસ્થા કરતો નથી, ત્યાં તો નાસ્તિક થઈ જાય છે; ને બહારમાં સુખ ન હોવા છતાં ત્યાં સુખ માનીને તે તરફ દોડે છે. જેમ જેને ઝેરી સર્પ કરડયો હોય તે મનુષ્ય કડવા લીમડાને પણ પ્રેમથી ચાવે છે, તેમ જેને મિથ્યાત્વરૂપી કાળા નાગનું ઝેર ચડયું તે જીવ દુઃખદાયક ઇન્દ્રિય વિષયોને પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com