________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ : આત્મભાવના તરફનું જોર તૂટી જાય. જ્ઞાનને અંતર્મુખ કરીને સ્વસંવેદનથી પોતે પોતાને જાણવો એવો આનો અભિપ્રાય છે. પછી બહારમાં વૃત્તિ જાય ને વિકલ્પ ઊઠે પણ તેના અભિપ્રાયનું જોર તો સ્વસંવેદન તરફ જ છે. મારા વિકલ્પથી કાંઈ પર જીવો સમજતા નથી, તેમ જ તે વિકલ્પ મને મારા સ્વસંવેદનમાં પણ સહાયક નથી,-આમ જાણીને ધર્મી પોતાના સ્વભાવ તરફ વળે છે, ને તેમાં એકાગ્ર થાય છે,–તેનું નામ સમાધિ છે. જેને આવું ભેદજ્ઞાન નથી ને “હું બીજાને સમજાવી દઉં” એવા અભિપ્રાયનું જોર છે તે કદી બહિર્મુખપણું છોડીને અંતર્મુખ થતો નથી ને તેને રાગ-દ્વેષરહિત સમાધિ થતી નથી.
અરે, મારા ચૈતન્યસ્વરૂપથી બહાર જ્યાં જોઉં છું ત્યાં બહારમાં તો જડ અચેતન શરીરાદિ દેખાય છે, તે તો મડદું છે, તે મડદા સાથે હું શું બોલું? અને ચૈતન્યસ્વરૂપ જીવ અમૂર્ત છે તે તો બહારમાં દેખાતો નથી, જે દેખાતો નથી તેની સાથે પણ હું શું બોલું? જ્યાં ચૈતન્યને દેખવા જાઉં છું ત્યાં તો અંતષ્ટિ થાય છે ને બાહ્યલક્ષ તથા વિકલ્પ છૂટી જાય છે, ત્યાં કોની સાથે બોલું? એટલે કે બહારમાં લક્ષ જ કરવા જેવું નથી; હું તો જ્ઞાયક સ્વરૂપ જ છું ને મારા જ્ઞાયકસ્વરૂપમાં જ હું રહીશ. વિકલ્પ ઊઠે ને પર લક્ષ જાય કે પરને સમજાવવાની વૃત્તિ ઊઠે તે મારું સ્વરૂપ નથી, તેનાથી મને લાભ નથી; તેમ જ બીજા જીવોને પણ વાણીથી કે વાણી તરફના લક્ષથી લાભ નથી, તે જીવો પણ પરલક્ષ છોડીને પોતાના જ્ઞાયકસ્વરૂપમાં વળશે ત્યારે જ તેમને લાભ થશે.-એમ જાણીને જ્ઞાની અંતરમાં ઠરે છે.
જ્ઞાયકતત્ત્વમાંથી કાંઈ વાણીનો ધ્વનિ નથી ઊઠતો, તે વાણીનો ધ્વનિ તો જડપરમાણુઓમાં ઊઠે છે. વાણી તરફનો વિકલ્પ ઊઠે તે પણ જ્ઞાયકતત્ત્વમાંથી નથી ઊઠતો, જ્ઞાન પર લક્ષમાં અટકતાં વિકલ્પ ઊઠયો છે, તે જ્ઞાનનું સ્વરૂપ નથી. આવા જ્ઞાનસ્વરૂપને નક્કી કરે તો અંદર અપૂર્વ શાંતિ ને સમાધિ થાય. (૧૮)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com