________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ )
XXV
આથી એમ કહેવામાં પંચ માત્ર પણ સંકોચ કરવો જોઈએ નહીં કે અષ્ટપાહુડની ઉપયોગિતા નિરંતર રહેલી છે અને પંચમકાળના અંત સુધી બની રહેશે.
વિતરાગી જિનધર્મની નિર્મળ ધારાના અવિરત પ્રવાહના અભિલાષી આત્માર્થીજનોએ સ્વયં તો આ કૃતિને ગંભીરતાથી અધ્યયન કરવું જોઈએ, તેનો સમુચિત પ્રચાર અને પ્રસાર પણ કરવો જોઈએ, જેથી સામાન્ય જન પણ શિથિલાચારની વિરુદ્ધ સાવધાન થઈ શકે. આમાં વર્ણવેલા વિષય-વસ્તુ સંક્ષેપમાં આ પ્રકારે છે– ૧) દર્શન પાહુડ
છત્રીસ ગાથાઓથી રચાયેલ આ પાહુડમાં મંગલાચરણ ઉપરાંત આરંભથી જ સમ્યગ્દર્શનની મહિમા બતાવતાં આચાર્યદવ લખે છે કે જિનવરદેવે કહ્યું છે કે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે; આથી જે જીવ સમ્યગ્દર્શનથી રહિત છે તે વંદન કરવા યોગ્ય નથી. ભલેને તેઓ અનેક શાસ્ત્રોના જાણકાર હોય, ઉગ્ર તપ કરતા હોય. કરોડો વર્ષ સુધી તપ કરતાં રહ્યો હોય તો પણ જે સમ્યગ્દર્શનથી રહિત છે તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી. મોક્ષની પ્રાપ્તિ થતી નથી આરાધનાથી રહિત હોવાને કારણે સંસારમાં ભટકતાં જ રહે છે; પરંતુ જેમના હૃદયમાં સમ્યકત્વ રૂપી જળનો પ્રવાહ નિરંતર વહેતો રહે છે, તેમને કર્મરૂપી રજનું આવરણ લાગતું નથી, તેમણે પૂર્વે બાંધેલા કર્મોનો પણ નાશ થઈ જાય છે.
જે જીવ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેથી પણ ભ્રષ્ટ છે, તેઓ તો ભ્રષ્ટોમાં પણ ભ્રષ્ટ છે; તેઓ સ્વયં તો નાશને પ્રાપ્ત જ થાય છે, પોતાના અનુયાયીઓનો પણ નાશ કરે છે. એવા લોકો પોતાના દોષોને છુપાવવા માટે ધર્માત્માઓને દોષી બતાવતા રહે છે.
જે પ્રકારે મૂળનો નાશ થવાથી તેમનો પરિવાર-થડ, ડાળી, પાન, પુષ્પ અને ફળની વૃદ્ધિ થતી નથી; એ જ પ્રકારે સમ્યગ્દર્શનરૂપી મૂળનો નાશ થવાથી સંયમ વગેરેની વૃદ્ધિ થતી નથી. આ જ કારણ છે કે જિનેન્દ્રભગવાને સમ્યગ્દર્શનને ધર્મનું મૂળ કહ્યું છે.
જે જીવ પોતે તો સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે, પરંતુ પોતાને સંયમી માનીને સમ્યગ્દષ્ટિવાળાને પોતાના પગ પૂજવાનું ઇચ્છે છે; તેઓ લુલા અને મુંગા થશે; અર્થાત્ તેઓ નિગોદમાં જશે; જ્યાં તેઓ ચાલી ફરી શકશે નહીં, અને બોલી પણ શકશે નહીં; તેમને જ્ઞાનનો લાભ અત્યંત દુર્લભ છે. આ પ્રકારે જે જીવ લજ્જા, ગારવ અને ભયથી સમ્યગ્દર્શનરહિત લોકોના પગ પૂજે છે તેઓ પણ તેમના અનુમોદક હોવાથી જ્ઞાનની પ્રાપ્તિ કરી શકશે નહીં.
જે પ્રકારે સમ્યગ્દર્શનરહિત વ્યક્તિ વંદનીય નથી તે જ પ્રકારે અસંયમી પણ વંદના કરવાને લાયક નથી. ભલે તેઓ બાહ્યમાં વસ્ત્રાદિનો ત્યાગ કરી દીધો હોય તો પણ જો સમ્યગ્દર્શન અને અંતરંગ સંયમ ન હોય તો તે વંદનીય નથી; કેમકે દેહ વંદનીય નથી, કૂળ વંદનીય નથી, જાતિ વંદનીય નથી; વંદનીય તો એક માત્ર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ગુણ જ છે; આથી રત્નત્રય વગરનાને જિનમાર્ગમાં વંદન કરવાને યોગ્ય કહ્યા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com