________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪
(અષ્ટપાહુડી
અજ્ઞાનવાદીઃ- કેટલા અજ્ઞાનવાદી છે. તેમાં કેટલાક તો સર્વજ્ઞનો અભાવ માને છે. કોઈ કહે છે કે જીવ અસ્તિ છે એ કોણ જાણે? કોઈ કહે છે કે જીવ નાસ્તિ છે એ કોણ જાણે? કોઈ કહે છે કે જીવ નિત્ય છે એ કોણ જાણે ? કોઈ કહે છે કે જીવ અનિત્ય છે એ કોણ જાણે? ઇત્યાદિ સંશય-વિપર્યય-અધ્યવસાયરૂપ થઈને વિવાદ કરે છે. તેમના સંક્ષેપથી અડસઠ ભેદ છે.
વિનયવાદી:- કેટલાક વિનયવાદી છે. તેમાંથી કોઈ કહે છે; દેવાદિના વિનયથી સિદ્ધિ છે. કોઈ કહે છે કે ગુરુના વિનયથી સિદ્ધિ છે. કોઈ કહે છે કે માતાના વિનયથી તથા કોઈ કહે છે કે પિતાના વિનયથી સિદ્ધિ છે, કોઈ કહે છે કે રાજાના વિનયથી સિદ્ધિ છે, કોઈ કહે છે કે સર્વના વિનયથી સિદ્ધિ છે ઇત્યાદિ વિવાદ કરે છે તેમના સંક્ષેપથી બત્રીસ ભેદ છે.
આ પ્રકારે સર્વથા એકાંતવાદીઓના ત્રણસો ત્રેસઠ ભેદ સંક્ષેપથી છે. વિસ્તાર કરવાથી ઘણા થઈ જાય છે. તેમાં કોઈ ઈશ્વરવાદી છે. કોઈ કાળવાદી છે, કોઈ સ્વભાવવાદી છે, કોઈ વિનયવાદી છે, કોઈ આત્મવાદી છે. તેમનું સ્વરૂપ ગોમ્મસાર આદિ ગ્રંથોમાંથી જાણવું. આવા મિથ્યાત્વના ભેદ છે. ૧૩૭
હવે કહે છે કે અભવ્ય જીવ પોતાની પ્રકૃતિને છોડતો નથી (તેથી) તેનું મિથ્યાત્વ મટતું
નથી:
ण मुयइ पयडि अभव्वो सुट्ट वि आयण्णिऊण जिणधम्म। गुडदुद्धं पि पिता ण पण्णया णिव्विसा होति।। १३८ ।।
न मुंचति प्रकृतिमभव्यः सुष्टु अपि आकर्ण्य जिनधर्मम्। गुडदुग्धमपि पिबंतः न पन्नगाः निर्विषाः भवंति।।१३८ ।।
સુરીતે સુણી જિનધર્મ પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે, સાકર સહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૧૩૮
અર્થ:- અભવ્ય જીવ સારી રીતે જિનધર્મને સાંભળીને પણ પોતાની મિથ્યાત્વ પ્રકૃતિને છોડતો નથી. અહીં દષ્ટાંત છે કે સાકર સહિત દૂધને પીતા રહીને પણ સાપ વિષ રહિત થતો નથી.
ભાવાર્થ- જે કારણ મળવા છતાં પણ છૂટતા નથી તેને “પ્રકૃતિ” કે “સ્વભાવ' કહે છે. અભવ્યનો આ સ્વભાવ છે કે જેમાં અનેકાંત તત્ત્વસ્વરૂપ છે એવો વીતરાગ વિજ્ઞાનસ્વરૂપ જિનધર્મ કે જે મિથ્યાત્વને મટાડવાવાળો છે, તેનું સારી રીતે સ્વરૂપ સાંભળીને પણ તેનો મિથ્યાત્વ સ્વરૂપ ભાવ બદલતો નથી. આ વસ્તુનું સ્વરૂપ છે, કોઈનું કરેલું નથી. અહીં ઉપદેશ અપેક્ષાથી આ પ્રકારે જાણવું કે અભવ્યરૂપ પ્રકૃતિ તો સર્વજ્ઞ ગમ્ય છે, તોપણ અભવ્યની પ્રકૃતિની સમાન પોતાની પ્રકૃતિ ન રાખવી. મિથ્યાત્વને છોડવું એ ઉપદેશ છે. ૧૩૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com