________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૬૯ અપેક્ષાએ તેને સાકર પરોક્ષ છે પરંતુ મોઢામાં જે મીઠો સ્વાદ તેને વેદાય છે તે સ્વાદ કાંઈ તેને પરોક્ષ નથી, તે તો જેવો દેખતા માણસને સ્વાદ આવે તેવો જ સ્વાદ આંધળાને આવે છે, તે સ્વાદની જાતમાં કાંઈ ફેર નથી, ને સ્વાદનું વેદન કાંઈ પરોક્ષ નથી. તેમ મતિ-શ્રુતજ્ઞાની અસંખ્ય આત્મપ્રદેશ વગેરેને કેવળી પ્રભુની જેમ પ્રત્યક્ષ ભલે ન દેખે, તે અપેક્ષાએ તેને આત્મા પરોક્ષ છે, પરંતુ સ્વાનુભવમાં આત્માના આનંદનો જે અતીન્દ્રિયસ્વાદ મતિ-શ્રુતજ્ઞાનીને ચોથા ગુણસ્થાને આવે છે તે તો પોતે સાક્ષાત્ વેદે છે; પ્રત્યક્ષજ્ઞાની જેવો આનંદ વેદે છે તેવો જ આનંદ સ્વાનુભવમાં મતિ-શ્રુતજ્ઞાની વેદે છે. તેમાં વધારે-ઓછાપણું ભલે હો પણ આનંદના વેદનની જાતમાં કાંઈ ફેર નથી, ને એ આનંદનું વેદન કાંઈ પરોક્ષ નથી. માટે સ્વાનુભવને પ્રત્યક્ષ કહીએ છીએ.
અથવા, પ્રત્યક્ષ કહેવાનો બીજો પ્રકાર એ છે કે સ્વાનુભવથી જે આત્માને જાણ્યો તે પ્રત્યક્ષ જેવો જ સ્પષ્ટ જામ્યો છે. પ્રત્યક્ષ જેવું હોય તેને પણ પ્રત્યક્ષ કહેવાય છે-એ ન્યાયે આ સ્વાનુભવને પણ પ્રત્યક્ષ કહીએ છીએ. કેમકે, સ્વાનુભવમાં મતિ-શ્રુતજ્ઞાને પણ આત્માને પ્રત્યક્ષની માફક યથાર્થ જાણ્યો છે. તે મતિશ્રુતજ્ઞાન પણ પ્રત્યક્ષ જેવા જ (એટલે કે કેવળજ્ઞાન જેવા જ) જોસદાર-નિઃસંદેહુ યથાર્થ છે, તેથી તેના સ્વાનુભવને પ્રત્યક્ષ કહીએ તો કોઈ દોષ નથી. આ રીતે આગમની સામાન્ય શૈલીમાં તે મતિશ્રુતને પરોક્ષ કહેવાય ને અધ્યાત્મની ખાસ શૈલીથી તેને પ્રત્યક્ષ પણ કહેવાય છે. આગમ-અધ્યાત્મશાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન વિવેક્ષાથી અનેક પ્રકારનાં કથન આવે છે, તેની વિવક્ષા સમજીને, તેમાં પરસ્પર વિરોધ ન આવે અને પોતાનું હિત થાય તે પ્રમાણે તેનો આશય સમજવો જોઈએ. એક ઠેકાણે એક વાત વાંચી હોય તે જ બધે ઠેકાણે પકડી રાખે, ને બીજે ઠેકાણે બીજી વિવેક્ષાથી કાંઈ બીજો પ્રકાર આવે ત્યાં જ તેનો આશય ન સમજે, તો બંનેનો મેળ મેળવવો મુશ્કેલ પડે. માટે કયાં કઈ વિવક્ષા છે તે સમજવું જોઈએ.
મનના અવલંબનની અપેક્ષાએ મતિ-શ્રુતજ્ઞાનને પરોક્ષ કહ્યા છે; પરંતુ મનનું અવલંબન હોય માટે આત્માને જાણી જ ન શકે એમ નથી; કેમકે તે જ્ઞાનમાં સ્વાનુભવ વખતે સૂક્ષ્મ-અબુદ્ધિપૂર્વક મનનું જોડાણ છૂટી ગયું છે એટલા અંશે તેમાં પ્રત્યક્ષપણું છે. જે અબુદ્ધિપૂર્વક વિકલ્પ છે તેમાં મનનું અવલંબન છે, પણ આત્માનું જે સ્વસંવેદન છે તેમાં તો મનનું અવલંબન છૂટી ગયું છે. તેમાં કેવળજ્ઞાન જેવું પ્રત્યક્ષપણું ભલે નથી પણ સ્વાનુભવપ્રત્યક્ષપણું છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk