________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ : અધ્યાત્મ-સંદેશ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું સેવન કરવું ને પરભાવનું સેવન છોડવું. ચોવીસે કલાકમાં ક્ષણે ક્ષણે ધર્માત્મા આ સ્વભાવસેવનનું કાર્ય કરી રહ્યા છે. અને અજ્ઞાની ચોવીસે કલાકમાં ક્ષણે ક્ષણે પર ભાવના સેવનનું કાર્ય કરી રહ્યો છે. બહારના કામ તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ એક ક્ષણ પણ કરતું નથી.
સમ્યગ્દર્શન થયા પછી ધર્મીને ઉપયોગ કયારેક સ્વમાં હોય છે ને કયારેક પરમાં હોય છે; એકધારો સ્વમાં ઉપયોગ રહેતો નથી, પરંતુ સમ્યકત્વ એકધારું રહે છે. તે સમ્યકત્વ સ્વઉપયોગ વખતે પ્રત્યક્ષ ને પરઉપયોગ વખતે પરોક્ષ-એવા ભેદ તેમાં નથી; અથવા સ્વાનુભવ વખતે તે ઉપયોગરૂપ ને પર તરફ લક્ષ વખતે તે લબ્ધરૂપ-એવા ભેદ પણ સમ્યકત્વમાં નથી. સમ્યકત્વમાં તો ઔપથમિક વગેરે પ્રકારો છે, ને તે ત્રણેય પ્રકાર સવિકલ્પ દશા વખતે પણ હોય છે. સમ્યગ્દર્શન થયું તેટલી શુદ્ધપરિણતિ તો શુભ અશુભ વખતેય ધર્મીને વર્તે જ છે.
સમ્યગ્દર્શન થાય એટલે તે જીવ સદાય નિર્વિકલ્પ-અનુભૂતિમાં જ રહે એવું નથી. તેને શુદ્ધાત્મપ્રતીત સદાય રહે પણ અનુભૂતિ તો કયારેક હોય. મુનિનેય નિર્વિકલ્પ અનુભૂતિ સળંગ નથી રહેતી, સળંગ બે ઘડી નિર્વિકલ્પ રહે તો કેવળજ્ઞાન થઈ જાય.
સ્વાનુભૂતિ તે જ્ઞાનની સ્વઉપયોગરૂપ પર્યાય છે; સમ્યગ્દર્શનને તે ઉપયોગરૂપ સ્વાનુભૂતિ સાથે વિષમવ્યાપ્તિ છે, એટલે કે એક પક્ષ તરફની વ્યાપ્તિ છે. જેમ કેવળદર્શન અને કેવળજ્ઞાનને, અથવા તો આત્માને અને જ્ઞાનને, તો સમવ્યાપ્તિ છે–એટલે કે જ્યાં બેમાંથી એક હોય ત્યાં બીજું પણ હોય જ; અને એક ન હોય ત્યાં બીજાં પણ ન જ હોય. -એમ બન્નેને પરસ્પર અવિનાભાવીપણું છે, એને સમવ્યાપ્તિ કહે છે. પણ સમ્યગ્દર્શનને અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિને એવું સમવ્યાપ્તિપણું નથી, પણ વિષમવ્યાપ્તિ (એક પક્ષ તરફનું અવિનાભાવપણું ) છે; એટલે કે* જ્યાં નિર્વિકલ્પ અનુભૂતિ હોય ત્યાં સમ્યગ્દર્શન હોય જ. અને જ્યાં સમ્યગ્દર્શન ન હોય ત્યાં અનુભૂતિ ન જ હોય; –આવો નિયમ છે;
પરંતુ* જ્યાં સમ્યગ્દર્શન હોય ત્યાં અનુભૂતિ સદા હોય જ, અને જ્યાં
અનુભૂતિ ન હોય ત્યાં સમ્યગ્દર્શન ન જ હોય, એવો કોઈ નિયમ નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk