________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ : અધ્યાત્મ-સંદેશ
ને ઉલટો તેના પ્રત્યે અનાદ૨-અણગમો આવે છે. –આવા વિપરીતભાવને લીધે અનાદિથી સંસારની પરંપરા તેને ચાલી રહી છે, તે પરંપરા કેમ છેદાય ને મોક્ષની પરંપરા કેમ શરૂ થાય તેની આ વાત છે. અંતરના આવા માર્ગનો આદર કરીને વારંવાર તેનું ઘોલન કરવા જેવું છે, તેનો ઉત્સાહ કરવા જેવું છે.
અંતરસ્વભાવના અનુભવનો કોઈ અપૂર્વ સ્વાદ છે તે અજ્ઞાનીને લક્ષમાં આવતો નથી, રાગથી જુદું કાંઈ તત્ત્વ તેને દેખાતું જ નથી. જ્યારે અનેક સંતો ને વિદ્વાનધર્માત્માઓ પોકાર કરીને કહી ગયા છે અને વર્તમાનમાં કહે છે કે શુભરાગ તે મોક્ષમાર્ગ નથી, નથી; ને નિમિત્ત વગેરે પરદ્રવ્ય અકિંચિત્કર છે, ત્યારે એ સાંભળીને પોતાની વિદ્વત્તાના અનુચિત અભિમાનમાં કોઈકહે છે કે એ તો ભાવુક્તાના પ્રવાહમાં ખેંચાઈને તેમણે કહ્યું છે, વાસ્તવિક વસ્તુ સ્વરૂપ એમ નથી. ભાઈ, એ સંતોએ અને વિદ્વાનજ્ઞાનીઓએ જે કહ્યું છે તે તો પરમ સત્યના પ્રવાહમાં રહીને કહ્યું છે, તું અસત્ અને દ્વેષના પ્રવાહમાં ખેંચાઈને એમના ઉપર આક્ષેપ ન મૂક, ભાઈ! તારું એ મોટું દુસ્સાહસ છે.
પ્રશ્નઃ- શાસ્ત્રમાં અજ્ઞાનીને ‘મૂઢ’ કહ્યો, તો તે દ્વેષ ન કહેવાય ?
ઉત્તરઃ- ના ભાઈ, એમાં દ્વેષ નથી પણ અજ્ઞાનભાવ કેટલો અહિતકર છે તે સમજાવીને તેનાથી છોડાવવા માટેની કરુણા છે. કોઈના ઘરમાં કાળો નાગ પડયો હોય તેને તેની ખબર ન હોય, ત્યાં બીજો કોઈ સજ્જન તેને તેના ઘરમાં રહેલા કાળા નાગની ભયંકરતા બતાવે, તો તેમાં તેનો હેતુ શો છે? કે તે માણસ તે કાળા નાગની ભયંકરતા જાણીને તેને પોતાના ઘરમાંથી બહાર કાઢવાનો ઉપાય કરે. તેમ આત્મસ્વભાવથી વિપરીત અભિપ્રાયરૂપ કાળોતરો ભયંકર નાગ અજ્ઞાનીના ઘરમાં પેસી ગયો છે, અજ્ઞાનીને તેની ખબર નથી ને ઊલટો તેને હિતકર માની બેઠો છે; સંત-જ્ઞાની તેને કહે છે કે અ૨૨ મૂઢ! આવા મોટા નાગ જેવા અતિકારી મિથ્યાભાવને તું સેવી રહ્યો છે! એ ભાવ છોડ. –આવા મિથ્યાભાવનું સેવન એ તો મૂઢતા છે. –હવે વિચારો જોઈએ કે અહીં મૂઢ કહેવામાં સામા ઉપર દ્વેષ છે કે કરુણા છે? અત્યંત અહિતકારી મિથ્યાભાવના સેવનથી તેને બચાવવા માટે કરુણાપૂર્વકનો એ ઉપદેશ છે. સર્વજ્ઞના અતીન્દ્રિય સુખને ઘણા ઘણા પ્રકારે સમજાવવા છતાં જે નથી માનતો એવા જીવને, તેની એ ભૂલ કેટલી બધી મોટી છે તે સમજાવવા, કુંદકુંદાચાર્ય જેવા વીતરાગીસંત કહે છે કે
“ સૂણી, ઘાતિકર્મવિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે, શ્રદ્ધે ન તેહ્ અભવ્ય છે, ને ભવ્ય તે સંમત કરે.'
(પ્રવચનસાર ગા. ૭૩)
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk