________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વનિકા : ૧૩૧
ઉત્તર:- પરંપરા અનાદિની હોય માટે તેનો અંત ન આવે-એમ નથી. જેમ વૃક્ષ-બીજની પરંપરા અનાદિની હોવા છતાં કોઈ એક બીજ બળી જતાં તેની પરંપરાનો અંત આવી જાય છે, તેમ વિકારની પરંપરા અનાદિની હોવા છતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવડે ધર્મી જીવને તેનો અંત આવી જાય છે. જેમ મોક્ષમાર્ગ અનાદિથી ન હોવા છતાં તેની નવી શરૂઆત થઈ શકે છે, તેમ વિકાર અનાદિનો હોવા છતાં તેનો અંત થઈ શકે છે.
પ્રશ્નઃ- આગમ અને અધ્યાત્મ (એટલે કે વિકાર અને શુદ્ધતા ) બંનેમાં અનંતતા કીધી, તે કઈ રીતે?
ઉત્તરઃ- વિકારમાં અનંત પ્રકારો છે ને તેના નિમિત્તરૂપ કર્મમાં અનંતાનંત પરમાણુઓ છે, -એ રીતે આગમપદ્ધત્તિમાં અનંતતા છે; અને જીવના અનંતગુણોની અનંત નિર્મળપર્યાયો છે, એકેક નિર્મળપર્યાય અનંતા ભાવોથી ને અનંતા સામર્થ્યથી ભરેલી છે, જ્ઞાનની એક નાની પર્યાયમાં પણ અનંતા અવિભાગપ્રતિચ્છેદઅંશોનું સામર્થ્ય છે. -આમ અધ્યાત્મપદ્ધતિમાં પણ અનંતતા જાણવી. એકેક આત્મામાં અનંતગુણો છે, એકેક ગુણમાં અનંત નિર્મળપર્યાયો ખીલવાની તાકાત પડી છે, ને એકેક નિર્મળપર્યાય અનંત સામર્થ્યસહિત છે. તારા એક આત્મામાં કેટલું અનંત સામર્થ્ય છે–એનું લક્ષ કર તો સ્વસન્મુખવૃત્તિ થાય ને અપૂર્વ અધ્યાત્મદશા પ્રગટે. એક તરફ વિકારની ધારા અનાદિની, ને બીજી તરફ સ્વભાવસામર્થ્યની ધારા પણ અનાદિની સાથે ને સાથે જ ચાલી રહી છે, વિકારની ધારા વખતેય સ્વભાવસામર્થ્યની ધારા કાંઈ તૂટી નથી ગઈ, સ્વભાવસામર્થ્યનો કાંઇ અભાવ નથી થયો; પરિણતિ જ્યાં સ્વભાવસામર્થ્ય તરફ વળી ત્યાં વિકારની પરંપરાનો પ્રવાહ તૂટયો ને અધ્યાત્મપરિણતની પરંપરા શરૂ થઈ, -જે પૂરી થઈને સાદિઅનંતકાળ રહ્યા કરશે. માટે હે ભાઈ ! અંતર્મુખ થઈ તારા સ્વભાવસામર્થ્યને વિચા૨માં લે... લક્ષમાં લે. પ્રતીતમાં લે... અનુભવમાં લે. લોકોને બહારનો વિશ્વાસ આવે છે કે એક બીજમાંથી આવડો મોટો દશ માઈલના ઘેરાવાવાળો વડ ફાલ્યો, પણ ચૈતન્યશક્તિના એક બીજમાંથી અનંતા કેવળજ્ઞાનરૂપી વડલા ફાલવાની તાકાત છે તેનો વિશ્વાસ નથી આવતો. જો ચૈતન્યસામર્થ્યનો વિશ્વાસ કરે તો તેના આશ્રયે રત્નત્રયધર્મની અનેક શાખા-ઉપશાખા પ્રગટીને મોક્ષફળ સહિત મોટું વૃક્ષ ઊગે. ભવિષ્યમાં થનાર મોક્ષવૃક્ષની તાકાત અત્યારે તારા ચૈતન્યબીજમાં વિદ્યમાન પડી છે. -સૂક્ષ્મદષ્ટિથી એને વિચારમાં લઈને અનુભવ કરતાં અપૂર્વ કલ્યાણ થશે.
卐
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk