________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૨૫
આત્માની પરિણતિમાં અશુદ્ધતા અનાદિથી છે, તે સ્વભાવગતભાવ નથી પણ આગંતુક-વિકારી ભાવ છે. તે પરિણામ સ્વભાવ-આકારરૂપ નથી એટલે તેને પુદ્દગલાકાર કહ્યા છે, કેમ કે પુદ્દગલકર્મો તેમાં નિમિત્ત છે. પુદ્દગલકર્મની પરંપરા તે દ્રવ્યરૂપ કર્મપદ્ધત્તિ, ને તેના નિમિત્તે થતા જીવના વિકારની પરંપરા તે ભાવરૂપ કર્મપદ્ધતિ છે. આમ દ્રવ્ય ને ભાવકર્મની પરંપરારૂપ આગમપદ્ધતિ છે. આ બંને ભાવોને જીવદ્રવ્યના
કહ્યા છે.
પ્રશ્નઃ- જે દ્રવ્યકર્મની પરંપરા છે તે તો પુદ્દગલની પર્યાય છે, છતાં અહીં તેને જીવનો ભાવ કેમ કહ્યો ?
ઉત્તર:- એ પુદ્દગલની પર્યાય છે એ વાત સાચી, પરંતુ જીવના અશુદ્ધ ભાવની સાથે તેને સંબંધ છે, જીવના અશુદ્ધભાવની સાથે મેળવાળું તેનું પરિણમન છે તેથી અહીં કર્મપદ્ધત્તિને પણ જીવના ભાવ કહી દીધા છે. જીવ સાથે જેને સંબંધ નથી એવા બીજા અનંતા પરમાણુઓ જગતમાં છે, પણ તેની અહીં વાત નથી. અહીં તો જીવના પરિણામ સાથે જેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એવા પુદ્દગલોની વાત છે. લાકડું-ઘર-શરીર વગેરેનો સંબંધ તો જીવને કયારેક હોય ને કયારેક ન પણ હોય, પરંતુ સંસારમાં જીવને કર્મનો સંબંધ તો સદાય હોય જ છે; એ સંબંધ બતાવવા તેને પણ જીવનો ભાવ કહ્યો છે–એમ સમજવું.
આત્મદ્રવ્યના અને તેના જ્ઞાનાદિ ગુણોના જે શુદ્ધપરિણામ છે તે અધ્યાત્મપદ્ધત્તિરૂપ છે; આ અધ્યાત્મપદ્ધત્તિ શુદ્ધચેતનારૂપ છે એટલે તેમાં વિકા૨ કે કર્મોનો સંબંધ ન આવે. દ્રવ્યના શુદ્ધપરિણામ તે દ્રવ્યરૂપ શુદ્ધચેતનાપદ્ધત્તિ છે અને જ્ઞાન-શ્રદ્ધા-ચારિત્ર વગેરે ગુણોના શુદ્ધપરિણામ તે ભાવરૂપ શુદ્ધચેતનાપદ્ધત્તિ છે. આ બંને પરિણામ અધ્યાત્મરૂપ જાણવા.
આગમપદ્ધત્તિ સંસારનું કારણ છે, અધ્યાત્મપદ્ધત્તિ મોક્ષનું કારણ છે. જેનાથી કર્મ બંધાય તે બધાય ભાવો આગમપદ્ધત્તિમાં જાય છે, વ્યવહાર–રત્નત્રયમાં જે શુભરાગ છે તે પણ આગમપદ્ધત્તિમાં જાય છે; શુદ્ધચેતનારૂપ જેટલા ભાવો છે તે અધ્યાત્મપદ્ધત્તિમાં આવે છે. આ રીતે બંને પદ્ધત્તિની ધારા એકબીજાથી જુદી છે. આ બંને પદ્ધત્તિમાં અનંતતા માનવી; આત્માના વિકારી ભાવોમાં અનંત પ્રકારો છે ને તેમાં નિમિત્તરૂપ કર્મમાં પણ અનંત પ્રકારો છે; આત્માના નિર્મળ પરિણામોમાં પણ અનંતગુણના અનંત પ્રકારો છે; જ્ઞાનાદિ ગુણોના પરિણમનમાં પણ અનંત પ્રકાર છે. આ રીતે અશુદ્ધતા કે શુદ્ધતા એ બંનેમાં અનંતતા સમજવી.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk