________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૮૩ પણ શ્રુતજ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને અનુભવતા હોવાથી પરમાર્થ તેને
શ્રુત-કેવળી” કહ્યા છે. જો “શ્રુત' વિશેષણ લક્ષમાં ન લ્યો તો કેવળએકલું જ્ઞાન જ રહે છે. આ રીતે શ્રુતજ્ઞાનીનું જ્ઞાન અને કેવળજ્ઞાનીનું જ્ઞાન એ બંનેની જાત એક જ છે. વળી સમ્યક્ શ્રુતજ્ઞાનના અંશો વધી વધીને કેવળજ્ઞાનમાં ભળે છે, એટલે તે કેવળજ્ઞાનના જ અંશો છે; જ્ઞાનસ્વભાવની જાતના તે અંશો છે, એ કાંઈ પર અવલંબીને પ્રગટયા નથી, સ્વભાવને અવલંબીને પ્રગટયા છે. આ રીતે તેમને એક જાતિપણું હોવા છતાં તેમાં વિશેષતા પણ છે. કેવળજ્ઞાનની જેવી દિવ્ય અચિંત્ય સંપૂર્ણ તાકાત છે એવી તાકાત શ્રુતજ્ઞાનમાં નથી. શ્રુતજ્ઞાન કરતાં કેવળજ્ઞાનનું સામર્થ્ય અનંતગણું વધી જાય છે. જો જાતિની માફક સામર્થ્યમાં પણ બંને સરખાં હોત તો કેવળજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન પણ સર્વ પદાર્થોને પ્રત્યક્ષ એકસાથે વિકલ્પ વગર જાણી લેત. પણ બધા પદાર્થોને એ પ્રત્યક્ષ જાણી શકતું નથી, એક સાથે પણ જાણી શકતું નથી, ને પરયોને વિકલ્પ વગર પણ જાણી શકાતું નથી. અમેરિકામાં શું થાય છે ને રશિયામાં શું થાય છે-એવી અપ્રયોજનરૂપ વસ્તુને જાણવા જાય ત્યાં શ્રુતજ્ઞાનમાં વિકલ્પ થયા વગર રહેતા નથી, જ્યારે કેવળજ્ઞાન તો અપ્રયોજનરૂપ પદાર્થોને પણ વિકલ્પ વગર સાક્ષાત્ જાણે છે. શ્રુતજ્ઞાનીને સ્વમાં ઉપયોગ જોડાયેલો હોય ત્યારે પરનો ખ્યાલ રહેતો નથી, પણ કેવળી પ્રભુ તો સ્વ પર બધાને એક સાથે જાણી લે છે. અનંતકાળ પહેલાંની કે પછીની પર્યાયોને ભિન્ન ભિન્નપણે શ્રુતજ્ઞાન જાણી નથી શકતું, જ્યારે કેવળજ્ઞાન તો ત્રણેકાળને પહોંચી વળે છે, કોઈ પડદો વગેરે એને નડતું નથી. મતિશ્રુતજ્ઞાન તો અમુક પદાર્થોને જ પ્રત્યક્ષ કે પરોક્ષ જાણે છે, અમૂર્ત-ધર્માસ્તિકાય વગેરેને તે પ્રત્યક્ષ નથી જાણી શકતું, જેટલા પદાર્થોને જાણે છે તેને પણ એક સાથે નથી જાણી શકતું પણ ક્રમે ક્રમે જાણે છે, અને તેમાં પણ તેના બધા ધર્મોને નથી જાણતું પણ અમુક ધર્મોને જ જાણી શકે છે, જ્યારે કેવળજ્ઞાનની તો સંપૂર્ણ તાકાત ઊઘડી ગઈ હોવાથી એને બધા જ્ઞયો એક સાથે સંપૂર્ણ પ્રત્યક્ષ સર્વ પ્રકારે જણાય છે. આ રીતે કેવળજ્ઞાનમાં ને મતિશ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ-પરોક્ષનો જે ભેદ છે તેમજ સામર્થ્યમાં પણ જે ફેર છે તે જાણવો જોઈએ.
પરંતુ આત્માનો સ્વાનુભવ કરવામાં એ ભેદ નડતો નથી. શ્રુતજ્ઞાન ભલે અલ્પ સામર્થ્યવાળું હોય છતાં અંતર્મુખ થઈ, વિકલ્પ તોડીને સ્વસંવેદનપ્રત્યક્ષથી આત્માને અનુભવે છે; એવા અનુભવના બળે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાનને પણ સાધી લે છે. શુદ્ધ આત્મા વગેરે પ્રયોજનભૂત તત્ત્વોને તો જેવા કેવળીભગવાને જાણ્યા તેવા જ શ્રુતજ્ઞાની જાણે છે, તેમાં વિપરીતતા નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk