________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૭૭ વસ્ત્રાદિ ગ્રહણ હોતું નથી તેથી સ્થૂળ વિવેચનમાં તેનો અભાવ ગણીને મુનિને નિષ્પરિગ્રહ કહ્યા. અને સૂક્ષ્મ કરણાનુયોગમાં ભૂમિકાઅનુસાર જે જે પરિણામ વર્તે છે તેનું જ્ઞાન પણ કરાવ્યું. સૂક્ષ્મ પરિણામ અપેક્ષાએ નવમા ગુણસ્થાને પણ વેદનો ઉદય કહ્યો એટલે ત્યાં પણ મૈથુનસંજ્ઞાનો સભાવ કહ્યો, પણ મુનિને સ્થૂળ પ્રવૃત્તિમાં કે બુદ્ધિપૂર્વકના પરિણામમાં તેનો અભાવ જ છે એટલે છઠ્ઠી ગુણસ્થાને પણ સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રત કહ્યું. દ્રવ્યાનુયોગમાં એમ કહે કે સમ્યગ્દષ્ટિ જીવ અબંધ છે–કેમકે શુદ્ધ અબંધસ્વભાવને દૃષ્ટિમાં લીધો છે; અને કરણાનુયોગ એમ કહે કે સમ્યગ્દષ્ટિને (ચોથા ગુણસ્થાને ) ૭૭ કર્મપ્રકૃતિઓનું બંધન થાય છે. બંને પ્રકારનું જ્ઞાન કરવું જોઈએ. સમ્યગ્દષ્ટિને અબંધ કહ્યા ત્યાં તેની શુદ્ધદષ્ટિનું સ્વરૂપ સમજાવવું છે, તે દષ્ટિએ કેવો અબંધ શુદ્ધ આત્મા પ્રતીતમાં લીધો છે તે બતાવવું છે; અને જે રાગથી કર્મપ્રકૃતિઓ બંધાય છે તે રાગને પણ શુદ્ધસ્વભાવમાં તે સ્વીકારતા નથી, અને શુદ્ધદષ્ટિ બંધનું કારણ થતી નથી. આ રીતે સમ્યગ્દષ્ટિને દ્રવ્યાનુયોગમાં અબંધ કહ્યા, અને હજી ભૂમિકાઅનુસાર પોતાની પર્યાયમાં જેટલા રાગાદિ છે ને જેટલી કર્મપ્રકૃતિ બંધાય છે તેનું પણ અસ્તિત્વ કરણાનુયોગમાં બતાવ્યું. એ રીતે અહીં સ્વાનુભવમાં પણ, સૂક્ષ્મપણે ત્યાં અબુદ્ધિપૂર્વક વિકલ્પ વિધમાન હોવા છતાં, ઉપયોગ નિજસ્વરૂપમાં જ છે ને બુદ્ધિપૂર્વકનો કોઈ વિકલ્પ નથી તેથી નિર્વિકલ્પપણું કહ્યું-એમ સમજવું.
આ પ્રમાણે નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ ઘણા પ્રકારે સ્પષ્ટ કર્યું. સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાને પણ આવો અનુભવ થાય છે એ પણ ખાસ બતાવ્યું. આ રીતે સમ્યકત્વની અને સ્વાનુભવની અલૌકિક ચર્ચા કરી. જુઓ, સાધર્મીઓ અરસપરસ સમ્યગ્દર્શનની ને સ્વાનુભવની કેવી સરસ ચર્ચા કરે તે આ પત્રમાં દેખાય છે. ધર્માત્મા એકબીજાના સંગમાં હોય તે અનુભવની અલૌકિક ચર્ચા કરતા હોય છે. જેમ બે વેપારી ભેગા થાય તો વેપારની ને ભાવતાલની વાતો કરે, બે ચોર ભેગા થાય તો ચોરીની ચર્ચા કરે, તેમ બે ધર્મી ભેગા થાય તો સ્વાનુભવની વાતો કરે. જેને જે વાત પ્રિય લાગે તેનું જ તે ઘોલન કરે છે.
આ સમ્યકત્વની ને સ્વાનુભવની બહુ સરસ વાત છે... એને લક્ષગત કરતાં જન્મમરણ ટળી જાય એવી આ અલૌકિક વાત છે. આ
સ્વાનુભવ” કળા એ જ સંસારસમુદ્રથી તરવાની કળા છે, બાકી બીજાં ભણતર આવડે તોયે ભલે ને ન આવડે તોયે ભલે. આ સ્વાનુભવ-કળાને જે નથી જાણતો તે ભલે બીજી અનેક કળાઓ જાણતો હોય તોપણ સંસારસમુદ્રને તરી શકતો નથી,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk