________________
પણ જેમ,કોઈ મહા-બળવાન પુરુષ પણ "સંકલ્પ થી ઉભા થયેલા પુરુષ" ને પોતાના સેંકડો હાથ થી પણ પકડી શકે નહિ, તેમ,"મૃત્યુ" પણ તે બ્રાહ્મણ ને પકડી શક્યો નહિ. એ બ્રાહ્મણ તેને પોતાની આંખ આગળ બેઠેલો જણાતો હતો, તેમ છતાં તેને પકડી શકતો નહોતો. આથી તે મૃત્યુ પાછો ફરીને યમરાજાની પાસે આવ્યો અને તેમને પૂછ્યું કેહે પ્રભુ,આ આકાશજ બ્રાહ્મણ ને કેમ હું પકડી શકતો? તે મારો કોળિયો કેમ થતો નથી
ત્યારે યમરાજ બોલ્યા-કે-હે, મૃત્યુ,તું કોઈને પણ પોતાના બળથી (બળાત્કારે) મારવા સમર્થ નથી. પ્રાણીઓ ને તો તેમનાં કર્મો જ મારે છે.બીજું કોઈ તેમને મારી શકતું નથી. માટે જો તું તે બ્રાહ્મણને મારી નાખવા ધરતો હોય તો પ્રયત્ન કરીને તેનાં કર્મો ને શોધી કાઢ,એટલે, તે કર્મો ની સહાયતાથી તું તેને મારીને ખાઈ શકીશ,
વશિષ્ઠ કહે છે કે ત્યાર પછી તે "મૃત્યુ" એ બધે જ તે બ્રાહ્મણ ના કર્મો ની શોધ કરી પણ તેં કોઈ પત્તો મળ્યો નહિ, એટલે તે ફરી પાછો યમરાજ પાસે આવી ને -તે બ્રાહ્મણ ના કર્મો ને ક્યાં ખોળવા? તેના વિષે પૂછવા લાગ્યો. યમરાજ કહે છે કે-હે, મૃત્યુ,એ આકાશજ બ્રાહ્મણ નાં કોઈ કર્મો નથી,કારણકે - એ બ્રાહ્મણ કેવળ "આકાશ" થી ઉત્પન્ન થયો છે. અને જે આકાશથી જ ઉત્પન્ન થયો હોય તે નિર્મળ આકાશ જેવો જ હોય છે.
જેમ જેનો જન્મ ન થયો હોય એણે પૂર્વ-કર્મ નો જરા પણ સંબંધ નથી, તેમ,એ આકાશજ બ્રાહ્મણ ને પ્રાચીન કર્મો નો જરા પણ સંબંધ નથી. અવિદ્યા (માયા) વગેરે કારણો નહિ હોવાને લીધે,એ બ્રાહ્મણ "આકાશ-રૂપ" જ (આકાશજ) છે. જેમ,આકાશમાં મોટું ઝાડ હોવું અસંભવિત છે, તેમ તે બ્રાહ્મણ નાં પૂર્વ-કર્મો છે જ નહિ. અને આ રીતે તેનાં પૂર્વ-કર્મો નહિ હોવાને લીધે તેનું મન પરવશ નથી,એટલે, આજ સુધી પોતાને ભોગવવા પડે એવું કોઈ પૂર્વ-કર્મ તેણે કર્યું નથી.
આ પ્રમાણે,આકાશના ઘર-રૂપ એ બ્રાહ્મણ (આકાશજ) સ્વચ્છ આકાશ-રૂપી પોતાના "કારણ" માં જ રહેલો છે, માટે તે નિત્ય છે.આથી જગતમાં તે ચિદાકાશ-રૂપ જ છે. છતાં પણ તેના "પ્રાણ ના ચલન-રૂપી" જે કર્મ જોવામાં આવે છે, તે માત્ર આપણા જેવા લોકોના જ જોવામાં આવે છે, પણ તે બ્રાહ્મણ તે કર્મ ને "તે કર્મ ને તે સાચું છે" એમ જાણતો નથી.
જેમ જળમાં "દ્રવ્ય-પણું" રહ્યું છે અને આકાશમાં "શૂન્ય-પણું" રહેલું છે, તેમ પરમ-પદ માં તે બ્રાહ્મણ રહેલો છે, તેનાં કોઈ પૂર્વનાં-કે હમણાંનાં કર્મો નથી એટલે તે સંસાર ને વશ થયો નથી. તો તેને કેવી રીતે દબાવી શકાય? જે જીવ ને "હું દેહ-રૂપ છું" એવો નિશ્ચય થઇ જાય તે દેહ-રૂપ થઇ જાય છે તેને જ તરત પકડી શકાય છે, માટે એ બ્રાહ્મણ જો "હું દેહ-રૂપ છું" એવી મરણ-રૂપ કલપના કરશે તો જ તારાથી તેને પકડી શકાશે. પણ તે બ્રાહ્મણ ને હજુ દેહાભિમાન થયું નથી, તેથી તે દેહ-રહિત છે. માટે જેમ,ભલે મજબૂત દોરી હોય પણ તેનાથી આકાશને બાંધી શકાતું નથી, તેમ તારાથી તે બ્રાહ્મણ ને બાંધી શકાશે નહિ.
મૃત્યુ બોલ્યો-હે,ભગવન, આ બ્રાહ્મણ,એ શૂન્ય આકાશમાંથી શી રીતે ઉત્પન્ન થયો? એ તમે કહો. વળી પંચ-મહાભૂત-મય દેહનો સંબંધ કેવી રીતે થાય છે અને કેવી રીતે થતો નથી તે મને કહો.
યમ કહે છે કે એ બ્રાહ્મણ કેવળ વિજ્ઞાન ના પ્રકાશ-રૂપ છે, માટે એ કદી જમ્યો નથી, અને કદી પણ "નથી હોતો' તેમ પણ નથી....એ તો સદા નિર્વિકાર-સ્વ-રૂપે રહેલો છે.