________________
-જો (જયારે) નિર્મળ(શુદ્ધ) બુદ્ધિ થી,ઊંડા ઉતરીને તે મનુષ્ય ને જોવામાં આવે,અને, જો, તેના “મનની અંદરના” અને “બહારના” સર્વ કાર્યો સરખાં દેખાય તો –તે “શાંત” કહેવાય છે. -જેનું મન સ્વચ્છ હોય, અને ઉત્સવમાં,યુદ્ધમાં,તથા મરણમાં એકસરખું શાંત હોય છે,-તે શાંત કહેવાય છે.
-જે પુરુષ,હર્ષનાં તથા ક્રોધના કારણોવાળા વાતાવરણમાં રહ્યો હોય, છતાં પણ “તે ત્યાં રહેલો નથી”, એમ સમજી ને ના તો રાજી થાય કે ના તો કોપ કરે-પણ, જેમ સુષુપ્તિમાં રહેલો હોય તેના પેઠે સ્વસ્થ રહે-તે શાંત કહેવાય છે.
-જે મનુષ્ય ની પ્રસન્નતાભરી દૃષ્ટિ સર્વ લોકો પર, અમૃત ના ઝરાની જેમ સુંદર રીતે પ્રસરતી હોય-તે શાંત કહેવાય છે. -જે પુરુષ મનમાં અત્યંત શીતળ થઇ ગયો હોય,અને વ્યવહાર કરવા છતાં પણ, જે વિષયોમાં ડૂબી જતો ના હોય કે મોહ ના પામતો હોય તે શાંત કહેવાય છે. અત્યંત વિપત્તિઓ આવવા છતાં, અને મોટામોટા કલ્પોના પ્રલય થઇ જાય તેવી દુઃખો ની પરિસ્થિતિ આવી પડે –છતાં પણ જેનું મન નીચ વલણ લેતું નથી-તે શાંત કહેવાય છે.
તપસ્વીઓમાં,ઘણું સમજનારાઓમાં (જ્ઞાનીઓમાં),યજ્ઞ કરવાનારોમાં, રાજાઓમાં,બળવાનોમાં,અને ગુણીજનોમાં-તથા, સંકટોમાં અને ભયના સ્થાનોમાં-પણ “શમ-વાળો” પુરુષ જ શોભે છે. જેમ ચંદ્રમાંથી ચાંદની નો ઉદય થાય છે, તેમ,ગુણોથી શોભનારા અને શાંત મનવાળા. મહાત્માઓના ચિત્તમાંથી “પરમાનંદ” નો ઉદય થાય છે.
હે,રામ,મહાત્મા પુરુષો કોઈથી કરી શકાય નહિ,એવા અને પૂજ્ય પુરુષોએ સાવધાન-પણા થી રક્ષેલા, “શમ-રૂપ ઉત્તમ અમૃત નો આશ્રય કરી, જે પદ્ધતિથી “પરમ-પદ” પામ્યા છે, તે જ પદ્ધતિ નું તમે પણ તેવી (પરમ-પદ ની) સિદ્ધિ ને માટે,સર્વદા અનુકરણ કરો.
(૧૪) વિચાર ની પ્રશંસા વશિષ્ઠ કહે છે કે શાસ્ત્ર ના બોધથી નિર્મળ થયેલી પરમ પવિત્ર “બુદ્ધિ” વડે, અને વિદ્વાન સદગરૂ ની સાથે નિરંતર “આત્મ-વિચાર” કરવો જોઈએ. “બુદ્ધિ” _જો (સત) વિચારથી અત્યંત તીક્ષ્ણ થાય તો જ તે “પરમ-પદ” ને પામી શકે છે. કારણકે “વિચાર” જ સંસાર-રૂપી-મોટા રોગ નું,મુખ્ય ઓસડ (દવા) છે.
અનંત પ્રકાર ની પ્રવૃત્તિઓ થી,પ્રફુલ્લિત થયેલા “દુઃખ-રૂપી-વનને” જો “વિચાર-રૂપી-કરવત” થી કાપી નાખવામાં આવે તો તે (દુઃખ-રૂપી વન) પાછું ઉગતું જ નથી. હે.રામ,સર્વસ્વના નાશના સમયમાં, સંકટ ના સમયમાં કે પછી શાંતિ ના સમયમાં “મોહ” ના લીધે કર્તવ્ય (શું કરવું તે?) સુઝતું નથી, ત્યારે “વિચાર” જ - પુરુષો માટે આશ્રય-રૂપ છે.
“મોહ” ને ટાળવા સારું,"વિચાર" વિના બીજો કોઈ ઉપાય જ નથી.એવો વિદ્વાનો નો નિશ્ચય છે. સત્પરુષો ની બુદ્ધિ વિચાર કરવાથી જ અશુભ માર્ગ નો ત્યાગ કરીને શુભ માર્ગ માં પ્રવર્તે છે. “પ્રૌઢ” (પરિપક્વ, વિચાર–“યોગ્ય કે અયોગ્ય” નો પ્રકાશ કરવામાં મોટા દીવા રૂપ છે.અને વાંછિત (ઈચ્છેલા) ફળ ને સાધનાર છે, માટે તેનો આશ્રય કરીને સંસાર-સાગર તરવો જોઈએ.
જેમ તુંબડા,પાણીમાં ડૂબતાં નથી, તેમ આ સંસારમાં,મહાત્મા પુરુષો ની,વિવેક ને પ્રફુલ્લિત કરનારી, જે "વિચાર-વાળી-બુદ્ધિ” છે, તે વિપત્તિમાં (દુઃખના સમયમાં) ડૂબતી નથી.