________________
178
ત્યાર પછી તેનો ત્યાગ કરીને આકાશના વાયુ-રૂપી-રથ દ્વારા,પ્રાણવાયુ ના માર્ગ થી તે મનુષ્યોના દેહમાં પેસીને કાળો કેર મચાવ્યો હતો, પણ એક દિવસ તેને સૂચના (સોય ના) નાના દેહ તરફ અણગમો થયો, અને પોતાનો પ્રથમનો દેહ પાછો મેળવવા તેને સાત હજાર તપ કર્યું છે. માટે તે રાક્ષસી ને વરદાન મળે તેવો પ્રયત્ન કરો નહિતર તેનું તપ સર્વ લોકોને બાળી નાખવા –સમર્થ છે.
વશિષ્ઠ કહે છે કે એ પ્રમાણે નારદજી ના વચન સાંભળીને ઇન્દ્ર વાયુદેવ ને તે રાક્ષસીને જોવા (શોધવા) સારું દશે દિશામાં જવાની પ્રેરણા કરી. ત્યારે તે રાક્ષસી ની શોધમાં એ વાયુ-દેવતાએ (પવને) પોતાના અનંત દિગંતો ને પૂરનારા દેહને પથારી દીધો,સાત દ્વીપ,સાત સમુદ્ર અને પૃથ્વી પર ની પીઠ પર એ ચોમેર ઘૂમી વળ્યો,અને આમ લાંબો પંથ કાપ્યો હોવાથી તેને જાણે થાક લાગ્યો હતો ત્યારે તેણે, આકાશને આલિંગી રહ્યું હોય એવું જણાતું હિમાલય નું ઊંચું શિખર જોયું.અહીં ઉતારી તેણે વિશ્રાંતિ લીધી.
(૭૪) કર્કટી (સચિકા કે સોય ને થયેલું જ્ઞાન
વશિષ્ઠ કહે છે કે હિમાલય પર્વતના શિખરની જાણે મધ્ય-શિખા હોય તે રીતે રહેલી તે રાક્ષસીને પવને દીઠી. તે રાક્ષસી એક પગે ઉભી હતી,મસ્તક ની ગરમી થી સૂકાતી હતી,અને અનશન વ્રત થી તેના પેટની ચામડી, પિંડ ની પેઠે સુકાઈ ગઈ હતી. માત્ર એકવાર તે મુખ ઉઘાડી પવન તથા તડકો ગ્રહણ કરે છે, પણ હૃદયમાં અવકાશ ના હોવાથી,તે તડકો ને વાયુ બહાર ને બહાર જ રહે છે.
આ પ્રમાણે તપ કરતી તે રાક્ષસીને જોઈ પવન ને (વાયુ-દેવને) અત્યંત આશ્ચર્ય થયું અને તેને પ્રણામ કર્યા. રાક્ષસીના તેજ-પુંજ થી તે પરાભવ પામ્યો અને “તું શાના માટે તપ કરે છે?” એમ પૂછવાની પણ તેની હિંમત રહી નહિ."અહો,ભગવતી સૂચિકા નું કેવું આશ્ચર્યકારક તપ છે!!” એવો વિચાર કરતાં કરતાં,પવને, ત્યાંથી પાછું આકાશમાર્ગે પ્રયાણ કર્યું.
આકાશમાર્ગ નું ઉલ્લંઘન કરી,વાત-સ્કંધ નું અતિક્રમણ કરી ને સિદ્ધ ના સમૂહને પોતાની પાછળ રાખીને, તે વાયુ-દેવ,સૂર્ય-માર્ગ માં થઈને,નક્ષત્ર લોક ની ઉપર થઈને ઇન્દ્ર-લોકમાં ગયા.અને ઇન્દ્ર આગળ પોતે જે જોયું હતું તેનું વર્ણન કર્યું.
વાયુ-દેવ (પવન) કહે છે કે-જંબુદ્વીપમાં હિમાલય નામનો મોટો પર્વત છે,મહાદેવજી જેના જમાઈ છે, તે પર્વતના ઉત્તર ભાગમાં પરમ-રૂપ ધારણ કરનાર તાપસી-સૂચી દારુણ તપશ્ચર્યા કરે છે. તેના તપનું શું વર્ણન કરું?અરે,વાયુ વગેરે નું પણ ભક્ષણ ના કરવા માટે તે રાક્ષસીએ પોતાનું પેટ, લોઢા જેવું કરીને વાસી દીધું છે.
મુખના છિદ્ર દ્વારા પણ શીતળ વાયુ ખાવામાં ન આવે તેટલાં માટે એ રાક્ષસીએ પોતાનું મોં ખુલ્લું કરીને માટીથી ભરી દીધું છે.તે રાક્ષસીના તીવ્ર તાપથી હિમાલય પર્વત પણ પોતાનું હિમ-પણું છોડીને અગ્નિમય સ્વરૂપ ધારણ કર્યું છે, અને તેથી દેવો પણ ત્યાં વાસ કરી શકતા નથી.. માટે હે, ઇન્દ્ર, બ્રહ્મા તેને વરદાન આપે તે માટે તેમ કહેવા) આપણે બ્રહ્મા ની પાસે જઈએ, કેમ કે તેના તપની ઉપેક્ષા થશે તો મહા અનર્થ થશે.
વાયુદેવ ના કહેવાથી ઇન્દ્ર બીજા દેવતાઓ સાથે બ્રહ્મા પાસે ગયો અને બધાએ બ્રહ્માને પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્માએ કહ્યું કે-હું તે રાક્ષસીને વરદાન આપવા હિમાલય પર્વત પર જાઉં છું. બ્રહ્મા ના એ વચન સાંભળી ઇન્દ્ર અને બીજા દેવતાઓ તેમના સ્થાન પર પાછા ગયા.
(૭૫) કર્કટી રાક્ષસીને પર્વ દેહની પ્રાપ્તિ