________________
167
નથી.જેમ,આંખ ના દોષને લીધે આકાશમાં એક ચન્દ્ર હોવા છતાં બે ચંદ્ર દેખાય છે, તેમ,ભ્રાંતિ થી પરવશ થયેલો જીવ એ ચૈતન્ય-પરમાત્મા વિષે દ્વૈત-પણું જુએ છે.
આમ ભ્રાંતિ થી જે દ્વૈત-પણું દેખાય છે તે માત્ર ચિત્તને લીધે જ છે.ચિત્ત જયારે દ્વૈત-પણા નો વિચાર કરે છે ત્યારે તે દ્વૈત જુએ છે અને જયારે તે અત નો વિચાર કરે છે ત્યારે અદ્વૈત ને જુએ છે. જે આ જોવામાં આવે છે તે ચિત્ત સિવાય બીજું કંઈ નથી,અને તે ચિત્ત ની શાંતિ થવાથી ચિત્તની ચંચળતા શાંત થાય છે.અને જયારે પુરુષ ચૈતન્ય-ધન સાથે એકતા પામીને નિશ્ચળ થઈને રહે છે, ત્યારે તે - સમાધિમાં લીન હોય કે વ્યવહાર કરતો હોય-તો પણ તે શાંત અને "જીવન-મુક્ત" કહેવાય છે.
જેમ,નશો કરવાથી જે મનુષ્ય ને થોડો નશો ચડ્યો હોય તેનું ચિત્ત ક્ષોભ પામે છે, પણ જેણે ઘણો (વધારે) નશો ચડ્યો હોય તે તે શાંત રહે છે અને કોઈ ક્રિયા કરતો નથી, તેમ,"સૂક્ષ્મ-ચૈતન્ય" (આત્મા??) એ વિચિત્ર પદાર્થો નો અનુભવ કરે છે પણ "ઘન-ચૈતન્ય" (પરમાત્મા??) ક્રિયા-રહિત રહે છે. બ્રહ્મ ના પરમ-પદ માં રૂઢ થયેલા ચૈતન્ય-ઘન ના પ્રવાહને -કોઈ નૈરાગ્ય,કે કોઈ શૂન્ય કહે છે.
ચિત્ત ની ચેતનતા ની સ્કૂરણા થી જગતમાં અનેક પ્રકારના ભ્રમ જણાય છે, અને તેથીજ"મારો જન્મ થયો-હું જીવું છું-મારું મરણ થયું" વગેરે વિકાર એ -અસત હોવા છતાં - પોતાના વિષે સાચા જણાય છે. જેવી રીતે સ્પંદન થી વાયુ જુદો નથી તેવી રીતે ચિત્ત થી ચેતન જુદું નથી. ચિત્તનો ભ્રમ અવિદ્યા (માયા-અજ્ઞાન) એ લીધે છે,અને સંસાર-રૂપી વ્યાધિ એ માત્ર ચિત્ત ની સ્કૂરણા થી થયો છે. અને તેનો જ્ઞાન-રૂપી ઔષધ થી નાશ થાય છે, તેમાં કોઈ શ્રમ છે જ નહિ.
જયારે મનુષ્ય નું મન સર્વ પદાર્થો નો ત્યાગ કરીને વાસનાથી મુક્ત થાય છે, ત્યારે તે એક ક્ષણ માં જ મુક્ત થાય છે.એમાં કોઈ પણ સંશય નથી. જેવી રીતે દોરડીમાં સર્પ-રૂપે થયેલી ભ્રાંતિ તપાસ કરવાથી મટી જાય છે, તેવી રીતે આત્મ-જ્ઞાન થવાથી સંસારની ભાંતિ નો નાશ થાય છે. મનુષ્ય-માત્ર ને પૃથ્વી પર અનેક પ્રકારની અભિલાષા થાય છે, પણ જયારે તે સર્વ અભિલાષા નો ત્યાગ કરીને સ્થિર થઈને રહે છે, ત્યારે તેનો મોક્ષ થાય છે.
મહાત્મા પુરુષ પોતાના પ્રાણ નો પણ તૃણ ની જેમ ત્યાગ કરે છે, ત્યારે અભિલાષા નો ત્યાગ કરવામાં કૃપણતા (નાનમ) કેવી? માટે તમે પણ અભિલાષાનો ત્યાગ કરી સંગ-માત્ર ને દૂર કરીને રહો.
કર્મે કરીને જે પદાર્થ મળે તેનું ગ્રહણ કરવું,તથા જે નાશ પામે તેનો શોક ના કરવો. જે પુરુષ આવી રીતે રહે છે-તે જ્ઞાની ને હાથમાં રહેલું બીલીનું ફળ કે પાસે રહેલો પર્વત જેમ પ્રત્યક્ષ જણાય છે,તેમ જન્મ-મરણ વગેરે વિકાર થી રહિત એવું-બ્રહ્મ-પણું પણ પ્રત્યક્ષ જણાય છે.
જેવી રીતે મોટો સમુદ્ર અનેક પ્રકારના તરંગ ના ભેદ થી જણાય છે, તેવી રીતે,અજ્ઞાની મનુષ્ય ની દ્રષ્ટિએ, અપ્રમેય આત્મા એ જ જગત-રૂપે જણાય છે, પણ તે આત્મા નું સત્ય-જ્ઞાન થવાથી મોક્ષ-રૂપી સિદ્ધિ થાય છે, અને તેનું જ્ઞાન ના થવાથી તે મન ને બંધનકારક થાય છે.
(૬૭) જીવ નું વ્યષ્ટિ સ્વરૂપે વર્ણન
રામ પૂછે છે કે આ જીવ શું પરમાત્મા નો અંશ છે? જીવ એ પરમાત્મા નું કાર્ય છે?કે એ પોતે પરમાત્મા છે?