________________
૨૯
જળથી શરીરશુદ્ધિ થઈ શકે ખરી, પરંતુ પાપની શુદ્ધિ અર્થે તો ધર્મરૂપી જળકુંડ અને બ્રહ્મચર્યરૂપી સુતીર્થ હોવાં જોઈએ તેમ અહીં વર્ણવ્યું છે.
યજ્ઞના સંબંધમાં પણ જૈનદર્શનનો વિરોધ નથી. તે માત્ર સાચા યજ્ઞનો નિર્દોષ કરે છે, અને તેવા યજ્ઞમાં વેદિકા, લાકડાં, મંત્ર અને અગ્નિ હોવાં જોઈએ તે પણ બહુ ઉમદા રીતે સમજાવે છે.
આઠમા વર્ગમાં શ્રમણ કોણ ? તેનું સ્પષ્ટ બયાન આપ્યું છે. વૃક્ષના પુષ્પમાંથી જેવી રીતે ભ્રમર પુષ્પને કષ્ટ આપ્યા સિવાય રસ ચૂસે છે તેવી રીતે ત્યાગીનું જીવન કે ભિક્ષાવૃત્તિ પણ પ્રજા ૫૨ બોજારૂપ ન હોવાં જોઈએ તેવો અહીં આદર્શ ખડો થાય છે.
પૂજા, સત્કાર, પરિગ્રહ, વિલાસ ઇત્યાદિને દૂર કરી જે સતત આત્મવૈરીઓને જીતવામાં અને પરોપકારવૃત્તિમાં પરાયણ રહે છે તે જ શ્રમણ છે. જે માત્ર સાધુનો વેશ પહેરીને આ પ્રમાણે વર્તન કરતો નથી તે શ્રમણ નથી એમ સમજાવીને સાચી સાધુતા શામાં છે તે સ્પષ્ટ સમજાવે છે.
નવમા કર્મવર્ગમાં કર્મની આત્મા પર સત્તા શાથી ? કર્મ શાથી બંધાય છે ? તેનું જીવાત્મા પર શું શું પરિણમન થાય છે ? વગેરે કર્મ સંબંધોની ઊંડી મીમાંસા છે. તેનું મનન કરવાથી પુનર્ભવ, પુણ્ય, પાપ એ બધું સ્પષ્ટ સમજી શકાય છે.
દશમા વિશ્વવર્ગમાં આ આખા વિશ્વમાં કયા કયા તત્ત્વો શું શું કાર્ય કરી રહ્યાં છે તેના કાર્યકારણની પરંપરા કેવી રીતે અને શાથી છે એ બધું વર્ણન છે.
અગિયારમા વૈરીવર્ગમાં ખરેખર શત્રુઓ કોણ ? અને તે ક્યાં છે ? તેના પરાજય માટે શું શું કરવું જોઈએ એ બધું સમજાવ્યું છે.