________________
૨૮
આ આખા વર્ગમાં આપેલો વિકાસક્રમ સાધકજીવનને ખૂબ જ ઉપયોગી છે, અને જેઓ જન્મથી જ પોતાને વૈષ્ણવ, જૈન, ભક્ત, વૈરાગી, મુમુક્ષુ કે પોતપોતાની ઈચ્છાપૂર્વક પોતાની મેળે પ્રમાણપત્ર લઈને પોતાની જાતને તેવા માની લે છે અને ધર્મ તથા વ્યવહાર વચ્ચે જાણે સંબંધ જ ન હોય તેમ સમજી પોતાનું નૈતિક જીવન સુધારતા નથી તેમને આ વર્ગમાં ઘણું સમજવા જેવું છે.
પાંચમો વર્ગ વ્રતવિચારવર્ગ છે. તેમાં વિષય, ક્રોધાદિ કષાયો, નિંદા, અહંકાર, ચાડી, ચૂગલી, આળસ ઇત્યાદિ દોષોને દૂર કરવા સારુ સ્પષ્ટ અને અહિંસા, સત્ય, અપરિગ્રહ, તપશ્ચર્યા ઇત્યાદિનું પાલન કરવા સારુ સ્પષ્ટ વ્યાખ્યા આપી તેને આરાધવાની પ્રેરણા પણ આપી છે.
દુર્ગણોને શા માટે તજવા અને સદ્ગુણોને શા માટે આરાધવા? તેનું સમાધાન એ આ વર્ગની વિશેષતા છે. - છઠ્ઠા વર્ગમાં બ્રહ્મચર્યની વાતો છે. બ્રહ્મચર્ય પાળવું જોઈએ તે તો સૌ કોઈ જાણે છે. પરંતુ શા માટે પાળવું જોઈએ ? તે શક્ય છે કે કેમ ? જો શક્ય છે તો કયા સાધનોથી ? તે બધી બાબતોનો આ વર્ગમાં બહુ સ્પષ્ટ અને સુંદર ઉલ્લેખ છે.
તેને આચરવું કે ન આચરવું તેનો આધાર મનુષ્યની ઇચ્છા પર નિર્ભર છે, પરંતુ અહીં જે ઉપાયો આપેલા છે તે બહુ માનસશાસ્ત્રના દીર્ઘ અનુભવથી નક્કી કરેલા હોવા જોઈએ તેમ લાગે છે.
સાતમા શુદ્ધિવર્ગમાં જળથી પાપની શુદ્ધિ થાય છે તે જાતનો પ્રજાવર્ગમાં જે ભ્રમ વ્યાપેલો હોય છે તેનું નિરાકરણ છે.