________________
૨૭
ફેરવવાથી ધર્મિષ્ઠ બની શકાતું નથી. પરંતુ હિંસાદિ આત્મદોષોથી જેટલે અંશે મનુષ્ય દૂર થતો જાય અને દયા, સંયમ, ત્યાગ, તપશ્ચર્યા, સહિષ્ણુતા ઇત્યાદિ ઉચ્ચ ગુણનો સંગ્રહ કરતો જાય તે જ મનુષ્ય સાચો ધર્મિષ્ઠ છે તેમ સમજાવ્યું છે.
આ ગુણો તો મનુષ્યોના જીવનવ્યવહારમાં શક્ય અને ઉપયોગી પણ છે. આવો ધર્મ મનુષ્ય પોતાના જીવનના અણુએ અણુમાં વણી શકે. તેને માટે અમુક જ સ્થળે જવું કે બેસવું જોઈએ તેવું કાંઈ બંધન નથી.
આવા ધર્મપાલનમાં વ્યક્તિ, સમાજ, દેશ અને વિશ્વ સૌ કોઈનું હિત અને સુખ પણ સમાયેલાં છે. એટલે આ દૃષ્ટિબિંદુ તો ગમે તે દેશ કે ગમે તે ધર્મ કે ગમે તે માન્યતાને અનુસરનારો વર્ગ પણ આવા ધર્મની સ્વીકૃતિનો અનાદર કરી શકે નહિ. પરંતુ સત્ય ધર્મને બદલે જો કોઈ ધર્મના બાના નીચે ધતિંગ ચલાવે તો તે ધર્મ ગણાતો નથી. એટલું જ નહિ પરંતુ કદાચ કોઈ તેને ધર્મ ગણતું હોય તો તેવો ધર્મ પીધેલાં ઝેર અને ઊંધા પકડેલા શસ્રની માફક તેના માલિકનો જ નાશ કરી નાખે છે. તો બીજાની તો વાત જ શી ? એમ પણ તે જ વર્ગમાં જણાવ્યું છે.
ચોથા વર્ગમાં વૃક્ષના બીજારોપણથી ફળ સુધીનો વિકાસાનુક્રમ બતાવી મનુષ્યના આખા જીવનનો વિકાસ સમજાવ્યો છે.
મનુષ્ય સૌથી પહેલાં ધર્મનું મૂળ બરાબર સમજવું જોઈએ. જે મકાનનો પાયો દૃઢ કે વ્યવસ્થિત નથી તે ઈમારત જેમ ટકી શકતી નથી તેમ ધર્મને ઇચ્છનાર મનુષ્ય સૌથી પહેલાં ધર્મનું મૂળ વિનય એટલે કે વિશિષ્ટ નીતિને પોતાના જીવનમાં વ્યાપક બનાવવી જોઈએ.