________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૬૪
ગયાં અને લોહીનું વમન થવા લાગ્યું તેવાઓને જોઈને ભદ્રા આ પ્રમાણે ફરીથી કહેવા લાગી :
૨૬. તમે બધા નખો વડે પર્વતને ખોદવા લાગ્યા છો, દાંતો વડે લોખંડને ચાવવા લાગ્યા છો અને અગ્નિનો પગો વડે કરીને હણવા લાગ્યા છો (એમ માનું છું.) કારણ કે આવા ઉત્તમ ભિક્ષુનો તમે તિરસ્કાર કર્યો છે.
૨૭. આવા મહર્ષિ (કોપે તો) વિષધર જેવા ભયંકર હોય છે. એ ઉગ્ર તપસ્વી અને ઘોર વ્રતવાળા મહાપુરુષાર્થીને તમે ભોજનના વખતે મારવા તૈયાર થયા તો હવે પતંગિયાની સેના જેમ અગ્નિમાં બળી મરે તેમ બળી મરવાના છો.
૨૮. હજુ જો તમે તમારું ધન અને જીવતર રાખવા ઇચ્છતા હો તો આખા સમૂહ સાથે મળીને તેના શરણે જઈ મસ્તક નમાવો. આ તપસ્વી પોતે જો કોપિત થશે તો આપ લોકોને પણ બાળી નાખશે.
નોંધ : ભદ્રા એ તપસ્વીના પ્રભાવને જાણતી હતી. ‘હજુ તો આ દૈવી પ્રકોપ છે. પણ હવે નહિ માનો અને તેમને શરણે નહિ જાઓ તો તે તપસ્વી કદાચ કોપિત થઈ આખા લોકને બાળી નાખશે એવી મને ભીતિ છે.’ સૌને ઉદ્દેશીને તેણીએ તેથી જ તેમ કહ્યું.
૨૯. (તેવામાં તો કંઈ વિચિત્ર ઘટના બની ગઈ.) કોઈની પીઠ ઉપ૨ તો કોઈનું મસ્તક નીચું તેમ પડી ગયેલા, કોઈ સાવ કર્મ અને ચેષ્ટા વિહીન બનેલા, કોઈ ભૂતલ પર હાથ ફેલાવતા પડી રહેલા, કોઈ બહાર નીકળી ગયેલા ડોળા અને જીભવાળા, તો કોઈ ઊંચા મસ્તકે ઢળી પડેલા
નોંધ આ બધું દૈવી પ્રકોપથી બન્યું હતું.
૩૦. આવી રીતે કાષ્ઠભૂત બનેલા પોતાના શિષ્યોને જોઈને તે યાજક બ્રાહ્મણ (ભદ્રાનો પતિ) પોતે ખૂબ ખેદ પામ્યો. અને પોતાની ધર્મપત્ની સહિત મુનિ પાસે જઈ નમીને વારંવાર વિનવણી કરવા લાગ્યો કે હે પૂજ્ય ! આપની નિંદા અને તિરસ્કાર થયાં છે તેની ક્ષમા કરો.
નોંધ : કોશલ રાજાએ તપસ્વીથી તજાયેલી ભદ્રાકુમારીને સોમદેવ નામના બ્રાહ્મણ સાથે હસ્તગ્રહણ કરાવી ઋષિપત્ની જ બનાવી હતી. તે કાળમાં બ્રાહ્મણ ક્ષત્રિય. વૈશ્ય અને શૂદ્રના કર્મભેદો હતા પણ આજના જેવા જાતિભેદો ન હતા. તેથી જ પારસ્પરિક કન્યાઓને લેવા દેવાનો વ્યવહાર ચાલુ હશે તેવું અનુમાન થાય છે.