________________
૬ ૨
ઉત્તરાધ્યયન સૂત્ર પવિત્ર ક્ષેત્ર સમજી તેની આરાધના કરો.
નોંધ : આ વચનો તે દેવ મુનિના મુખેથી બોલાવતો હતો.
૧૩. જયાં વાવેલાં પુણ્યો ઊગે છે (જ સુપાત્રમાં નાખ્યાથી દાન ફળે છે) તે ક્ષેત્રો અમોએ જાણી લીધાં છે. જાતિમાન અને વિદ્યાવાન બ્રાહ્મણો છે તે જ ક્ષેત્રો ખૂબ સુંદર છે.
નોંધ : આ વચનો ત્યાં યજ્ઞશાળામાં રહેલા ક્ષત્રિયોનાં છે.
૧૪. ક્રોધ, માન, હિંસા, અસત્ય, અદત્ત અને પરિગ્રહ વગેરે દોષો જેનામાં છે, તેવા બ્રાહ્મણો જાતિ અને વિદ્યા બંનેથી રહિત છે. તે ક્ષેત્રો તો પાપને વધારનારાં છે.
નોંધ : તે વખતે કેટલાક બ્રાહ્મણો પોતાના બ્રાહ્મણધર્મથી પતિત થઈ મહાહિંસાઓને ધર્મ મનાવવાનો પ્રયત્ન કરતા હતા. તેવાઓને ઉદ્દેશીને આ શ્લોક યક્ષની પ્રેરણા દ્વારા મુનિના મુખમાંથી બોલાયો.
૧૫. રે ! વેદોને ભણ્યા છતાં તેના અર્થને જરાપણ જાણી શકતા નથી. માટે ખરેખર તમે વાણીના ભારવાહક છો. જે મુનિ પુરુષો સામાન્ય કે ઊંચાં કોઈપણ ઘરોમાં જઈ ભિક્ષાવૃત્તિથી સંયમી જીવન ગુજારે છે તે જ ક્ષેત્રો ઉત્તમ છે.
આ સાંભળીને બ્રાહ્મણ શિષ્યો ખૂબ કોપ્યા અને કહ્યું : ૧૬. રે ! અમારા ગુરુઓની વિરુદ્ધ બોલનાર સાધુ ! તું અમારી સમક્ષ આ શું બોલી રહ્યો છે ? આ અન્નપાન ભલેને બધું નાશ પામે. પણ હવે તને તો નહિ જ આપવાના.
૧૭. સમિતિઓથી સમાહિત (સમાધિસ્થ), ગુપ્તિઓથી ગુપ્ત (મન, વચન અને કાયાથી સંયમી) અને જિતેન્દ્રિય એવા મને આવું શુદ્ધ ખાનપાન નહિ આપો તો આજે યજ્ઞોનો લાભ શું મેળવવાના ? આવાં (યક્ષ દ્વારા મુનિનાં મુખેથી વચનો સાંભળીને બ્રાહ્મણો લાલચોળ થઈ ગયા અને ઘાંટો પાડીને કહેવા લાગ્યા :
૧૮. અરે ! અહીં કોણ ક્ષત્રિયો, યજમાનો કે અધ્યાપકો છે ? વિદ્યાર્થીઓની સાથે મળી તેઓ સૌ લાકડી અને ડંડાએ મારીને તથા ગળચી દાબીને આને જલદી બહાર કાઢી મૂકો.
૧૯. અધ્યાપકોનું આવું વચન સાંભળીને ત્યાં ઘણા કુમારો દોડી આવ્યા, અને દંડ, છડી ચાબુકોથી તે ઋષિને મારવાને તૈયાર થયા.