________________
હરિકેશીય
પ૯
અધ્યયન : બારમું
હરિકેશીય હરિકેશ મુનિનું અધ્યયન
આત્મવિકાસમાં જાતિનાં બંધન હોતાં નથી. ચાંડાલ પણ આત્મકલ્યાણનો માર્ગ આરાધી શકે છે. ચંડાલજાતિમાં ઉત્પન્ન થનારનું પણ હૃદય પવિત્ર હોઈ શકે છે.
હરિકેશ મહામુનિ ચંડાલ કુળમાં જન્મ્યા છતાં ગુણના ભંડાર હતા. પૂર્વના યોગ સંસ્કાર હોવાથી નિમિત્તવશાત્ વૈરાગ્ય પામી ત્યાગી બન્યા. ત્યાગ લીધા પછી એક દેવે તે તપસ્વીની આકરામાં આકરી કસોટી કરેલી. સાચા સુવર્ણની જેમ પાર ઊતરેલા તે મહામુનિ પ્રત્યે પ્રસન્ન થયા પછી તે દેવમુનિ સાથે દાસ બનીને કાયમ રહ્યો.
એકાદ યક્ષ મંદિરના સભામંડપની અંદર (કે જ્યાં તે દેવનો વાસ હતો) આકરી તપશ્ચર્યાથી કૃશ થયેલા હરિકેશ ધ્યાનમગ્ન થઈ અડોલ ઊભા
હતા.
- કૌશલ રાજાનાં પુત્રી ભદ્રા તેમની સાહેલીઓ સાથે તે જ મંદિરમાં દર્શનાર્થે આવેલાં.
ગર્ભદ્વાર નજીક જઈ સૌએ દેવનાં પેટભરી દર્શન કર્યા. દર્શન કરીને પાછા ફરતાં દરેક સહચરીએ ક્રિીડાથે સભામંડપના દરેક સ્તંભને બાથ ભીડી લીધી. પાછળ રહેલી ભદ્રા કુમારીએ (અંધારામાં બરાબર ન સૂઝવાથી સ્તંભ જાણી) તપસ્વીને બાથ ભીડી લીધી. ભદ્રાના હાથમાં સ્તંભને બદલે તપસ્વી આવેલા જાણી સૌ સખીઓ ‘તમારા હાથમાં તો સાચા પતિ જ આવી ગયા', એમ કહીને કુતૂહલથી હસવા લાગી. કુમારી ભદ્રા આથી ચિડાઈ ગયાં અને તપસ્વીની મહા અવગણના કરી નાખી.
દેવ આથી ખૂબ કોપ્યો. ભદ્રા તે જ સમયે અવાક થઈ ઢળી પડી. આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ. કૌશલરાજ ત્યાં પધાર્યા. આખરે દેવી કોપ દૂર કરવા તે દેવ પ્રવેશક દેહવાળા તપસ્વીજી સાથે ભદ્રાનાં લગ્ન કરવાની તૈયારી થવા લાગી.