________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪. જેમ અંધકારનો નાશ કરનાર ઊગતો સૂર્ય તેજથી જાણે જાજ્વલ્યમાન હોય ! તેમ શોભે છે, તે જ રીતે આત્મજ્ઞાનના પ્રકાશથી બહુશ્રુત જ્ઞાની શોભે છે.
૫૮
૨૫. જેમ નક્ષત્રપતિ ચંદ્રમા; ગ્રહ અને નક્ષત્રાદિથી વિંટાયેલો હોઈ પૂર્ણિમાને દિવસે શોભે છે તે જ રીતે આત્મિક શીતળતાથી બહુશ્રુત જ્ઞાની શોભે છે.
૨૬. જેમ લોકસમૂહોનો ભિન્નભિન્ન પ્રકારના ધાન્યાદિથી પૂર્ણ અને સુરક્ષિત ભંડાર શોભે છે તે જ રીતે (અંગ, ઉપાંગ શાસ્ત્રોથી વિદ્યાથી પૂર્ણ) જ્ઞાની શોભે છે.
૨૭. અનાત નામના દેવનું સર્વ વૃક્ષોમાં ઉત્તમ એવું જંબુવૃક્ષ શોભે છે તે જ રીતે બહુશ્રુત જ્ઞાની શોભે છે.
૨૮. નીલવંત પર્વતમાંથી નીકળી સાગરમાં મળનારી સીતા નામની નદી જેમ નદીઓમાં શ્રેષ્ઠ હોય છે એ જ પ્રકારે બહુશ્રુતજ્ઞાની સર્વ સાધકોમાં શ્રેષ્ઠ હોય છે.
૨૯. જેમ પર્વતોમાં ઊંચો અને સુંદર તથા વિવિધ ઔષધિથી શોભતો મન્દર પર્વત ઉત્તમ છે તેમ બહુશ્રુતજ્ઞાની પણ અનેક ગુણો વડે ઉત્તમ છે. ૩૦. જેમ અક્ષય ઉદક (જેનું જળ સૂકાય નહિ તેવો) એવો સ્વયં ભૂરમણ નામનો સમુદ્ર જુદા જુદા પ્રકારનાં રત્નોથી પરિપૂર્ણ છે તે જ પ્રકારે બહુશ્રુતજ્ઞાની ઉત્તમ હોય છે.
૩૧. સમુદ્ર સમાન ગંભીર, બુદ્ધિથી પરાભવ નહિ પામનારા, સંકટોથી ત્રાસ નહિ પામનારા, કામભોગોથી અનાસક્ત રહેનારા, શ્રુતથી પરિપૂર્ણ અને પ્રત્યેક પ્રાણીઓના રક્ષક મહાપુરુષો કર્મનો નાશ કરીને ઉત્તમ ગતિ પામ્યા છે. ૩૨. માટે ઉત્તમ અર્થની ગવેષણા કરનાર (સત્ય શોધક) ભિક્ષુ, શ્રુત (જ્ઞાન)માં અધિષ્ઠાન કરે (આનંદિત રહે) કે જેથી પોતાને અને પરને સિદ્ધિ પ્રાપ્ત કરાવે.
નોંધ : જ્ઞાન એ અમૃત છે. જ્ઞાની સર્વ સ્થળે વિજેતા બને છે. જ્ઞાન એ અંતઃકરણની વસ્તુ છે. શાસ્ત્રો દ્વારા, સત્સંગ દ્વારા કે મહાપુરુષોની કૃપા દ્વારા તે પ્રાપ્ત થઈ શકે છે.
એ પ્રમાણે કહું છું.
એમ બહુશ્રુતપૂજ્ય નામનું અગિયારમુ અધ્યયન સમાપ્ત થયું.