________________
ચોથી આવૃત્તિ પ્રસંગે ૧૯૮૯માં શ્રી આચારાંગ સૂત્રના પુનર્મુદ્રણ પ્રસંગે, અમે મુનિશ્રીનાં અન્ય સૂત્રોને પણ, – જે અપ્રાપ્ય છે તેને – પ્રગટ કરવાની યોજના રજૂ કરી હતી. તે રીતે આ ઉત્તરાધ્યયન સૂત્રની ચોથી આવૃત્તિ ઠીક ઠીક લાંબા ગાળે પ્રગટ થઈ રહી છે. ઉત્તરાધ્યયન સૂત્રની માંગ તો આવ્યા જ કરતી હતી, પરંતુ સંતબાલ સ્મૃતિગ્રંથનું કામ મોટો સમય માગી લે તેવું હોવાથી આ કાર્ય થોડું વિલંબિત થયું છે. | મુનિશ્રીના આ અનુવાદમાં ભ. મહાવીરની વાણીમાં જે માંગલ્ય છે, તેને મુનિશ્રીએ પોતાની મધુરતા અને મૌલિકતાથી ભરી દીધું છે. - ઉત્તરાધ્યયન ગ્રંથ એ મુનિશ્રીનો પ્રથમ ગ્રંથ-અનુવાદ છે. ૧૯૩૪માં તેની પ્રથમ આવૃત્તિ પ્રગટ થતાં તે વાંચીને રવિશંકર મહારાજ સંતબાલજીને મળવા આવે છે. આ અંગે સંતબાલજી મહારાજ નોંધે છે :
એક ભાઈ એક વખત શ્રી રવિશંકર મહારાજને લઈ આવ્યા. મહારાજ કહે : “આ ગુજરાતીમાં ઉત્તરાધ્યયન વાંચીને અમૃત પીધા જેવો આનંદ થયો.”
મેં પણ મહારાજશ્રીને ત્યારે જ પહેલી વાર જોયા.
ત્યાર પછી આ બંને મહાપુરુષોની મૈત્રી કેવી જામે છે, તે વર્ણવવાની જરૂર છે ખરી ?
આ ગ્રંથમાં જે અમૃત ભર્યું છે, તેના આસ્વાદ માટે કેવળ આ ગ્રંથની અનુક્રમણિકા વાંચતાં પણ, તે આપણને ગ્રંથના વાચન ભણી દોરી જાય છે.
ગ્રંથ પ્રગટ કરવાની યોજના મૂકી ત્યારે ૪૦ રૂપિયા ખર્ચ આવશે એવી ગણતરી હતી. પણ વિશ્વવાત્સલ્યમાં તેની જાહેરાત આપતાં બે ત્રણ માસમાં જ તેના ૭૦૦ ઉપરાંત આગોતરા ગ્રાહકો થઈ ગયા, એટલે ઘટાડીને ૩૦ રૂપિયા કરી. ગ્રંથના છેલ્લા ફરમા છપાતા હતા ત્યાં મદુરાઈથી ગાંગજીભાઈ કુંવરજીભાઈ વોરાનો પત્ર આવ્યો કે અમારા તરફથી આ ગ્રંથના છાપકામમાં રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય સ્વીકારશો, અને ગ્રંથની કિંમત ઘટાડી શકાય તો ઘટાડશો. તે રીતે હવે ગ્રંથની કિંમત માત્ર રૂપિયા પચીસ રાખી છે.