________________
બીજા નાના મોટા અનેક ગ્રંથો લખાયા અને તેમાંના ઘણાખરા ‘મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર' તરફથી જ બહાર પડ્યા છે. તે દરમિયાન ભાલ-નળકાંઠા પ્રયોગને કારણે નવલભાઈ, અંબુભાઈ વ. કાર્યકરો મળ્યા, તેમનું પણ સાહિત્ય આ સંસ્થા તરફથી છપાતું હોય છે. આ રીતે ‘વિશ્વવ્યાપકતા’નું આ સાહિત્ય પછવાડ઼ેનું ધ્યેય છે, તે તો જીવંત રીતે સાર્થક થયું, પણ જૈન આગમો વધુ બહાર નથી પડ્યાં અને હવે તેવી સંભાવના પણ ઓછી લાગે છે.
‘ઉત્તરાધ્યયન સૂત્ર’ની ગુજરાતી ભાષાંતરની બંનેય આવૃત્તિઓ આજે વર્ષોથી ખલાસ થઈ ચૂકી હતી જ્યારે જૈનજૈનેતરોની માંગ સતત અનેક સ્થળેથી ચાલુ હતી. મુનિમહારાજની લેખનશૈલી કોઈ એવી અનોખી છે કે બીજાં ભાષાંતરો ચાહે તેટલાં હોય, તોય આ ભાષાંતર અને નોંધો તરફ જૈનજૈનેતર વાચકોનું આકર્ષણ રહેતું હોય છે.
આ વખતે ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘે મુંબઈ જેવા મહાનગરમાં ધર્મક્રાંતિને સંઘવ્યાપી બનાવવાની પહેલ કરી તે વખતનાં અનેક કાર્યોમાંનું એક આ પણ થયું. આથી લગભગ ચોવીસ વર્ષ પછી ઉત્તરાધ્યયન સૂત્રની ગુજરાતી ભાષાની આ ત્રીજી આવૃત્તિ બહાર પડે છે. તેમાં આર. કે. મોતીશા ટ્રસ્ટ તરફથી ભાઈશ્રી અમૃતલાલભાઈ દ્વારા સંસ્થાને મળેલી રૂપિયા સત્તરસોની મદદ નિમિત્ત રૂપ બની છે, તેમ મારે કહેવું જ ઘટે. આર્થિક મદદ મળવાથી આ પુસ્તકની કિંમત માત્ર દોઢ રૂપિયો રાખેલ છે. જિજ્ઞાસુઓ આ પુસ્તકનો પૂરેપૂરો લાભ ઉઠાવશે એવી આશા છે.
નવેમ્બર,
સને ૧૯૫૮
ξ
લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી મંત્રી, મહાવીર સા. પ્ર. મંદિર