________________
નમિપ્રવ્રજ્યા
૪૩
૨૦., ૨૧. શ્રદ્ધા (સત્ય પર અડગ વિશ્વાસ)રૂપી નગર, સંવર (સંયમ)રૂપી ભાગોળ, ક્ષમારૂપી સુંદરગઢ, ત્રણ ગુપ્તિ (મન, વચન અને કાયાનું સુનિયમન)રૂપી દુઃપ્રઘર્ષ (દુર્જય શતઘ્ની શસ્ત્ર વિશેષ), પુરુષાર્થરૂપી ધનુષ્ય, ઇર્યા (વિવેકપૂર્વક ગમન)રૂપી દોરી અને ધીરજરૂપી ભાથું બનાવીને સત્ય સાથે પરિમંથન (સત્યચિંતન) કરવું જોઈએ.
૨૨. કારણ કે તપશ્ચર્યારૂપ બાણોથી યુક્ત તેવો જ મુનિ કર્મરૂપ બન્નરને ભેદી સંગ્રામમાં વિજય પામે છે અને ભવ (સંસારરૂપ બંધન)થી મુક્ત થાય છે.
નોંધ : બાહ્ય યુદ્ધોનો વિજય ક્ષણિક હોય છે. અને પરિણામે પરિતાપ જ ઉપજાવે છે. શત્રુનો પોતે શત્રુ બની પોતાના બીજા અનેક શત્રુઓની પરંપરા ઉત્પન્ન કરે છે. આથી તેવા યુદ્ધની પરંપરા જન્મોજન્મ ચાલ્યા કરે છે. અને તેથી યુદ્ધથી વિરામ મળતો જ નથી. અને એ વાસનાને કારણે જ અનેક જન્મ લેવા પડે છે; માટે બહારના શત્રુઓ જેથી ઉત્પન્ન થાય છે, તે શત્રુઓ કે જે હૃદયમાં ભરાઈ બેઠા છે, તેને હણવા માટે પ્રયાસ આદરવો એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે.
તે સંગ્રામમાં કઈ કઈ જાતનાં શસ્રો જોઈએ તેની બહુ ઊંડી શોધ કરી ઉપરનાં સાધનો મિ ભગવાને વર્ણવ્યાં છે. તે યોગીનો અનુભવ આપણા જીવન સંગ્રામમાં ક્ષણે ક્ષણે જરૂરી છે.
આ ઉત્તરથી વિસ્મિત થયેલો ઇંદ્ર થોડીવાર અવાક રહ્યો.
૨૩. આ તત્ત્વને સાંભળીને વળી હેતુ અને કારણથી પ્રેરાયેલો દેવેન્દ્ર નમિરાજર્ષિને આ પ્રમાણે કહેવા લાગ્યો :
૨૪. હે ક્ષત્રિય ! ઊંચા પ્રકારના બંગલાઓ, મેડીવાળાં ઘરો તથા બાલાગ્રપોતિકાઓ (ક્રીડાનાં સ્થાનો) કરાવી પછી જા.
૨૫. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા એવા નમિરાજર્ષિ દેવેન્દ્રને આ પ્રમાણે બોલ્યા :
૨૬. જે ચાલતાં ચાલતાં માર્ગમાં ઘર કરે છે તે ખરેખર સંદેહ ભરેલું છે. જ્યાં જવાને ઇચ્છે ત્યાં જ શાશ્વત (નિશ્ચિત) ઘરને કરવું જોઈએ.
નોંધ : આ શ્લોકનું હાર્દ બહુ ગંભીર છે. શાશ્વતસ્થાન એટલે મુક્તિ. મુમુક્ષુનું ધ્યેય જો માત્ર મુક્તિ જ છે તો તે સ્થાન મેળવ્યા વિના માર્ગમાં એટલે કે આ સંસારમાં બીજા ઘરબારનાં બંધન શા માટે કરે ?
૨૭. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર નમિરાજર્ષિને આ પ્રમાણે બોલ્યો :