________________
નમિપ્રવ્રજ્યા
૪૧ ૩. ઉત્તમ અંતઃપુરમાં રહ્યાં રહ્યાં તે નમિરાજા દેવલોક જેવા (દેવભોગ્ય) ઊંચા પ્રકારના ભોગોને ભોગવી, હવે જ્ઞાની (તેની અસારતાને જાણનાર બની બધું છોડી દે છે.
૪. (તે) નાનાં શહેરો તથા પ્રાંતોથી જોડાયેલી મિથિલાનગરી, મહારથીસેના, યુવાન રાણીઓ તથા બધા નોકર ચાકરોને છોડીને નીકળી ગયા (યોગ માર્ગમાં પ્રવૃત્ત થયા). અને તે ભગવાને એકાન્તમાં જઈ અધિષ્ઠાન કર્યું.
૫. જ્યારે નમિરાજા જેવા મહાન રાજર્ષિનું અભિનિષ્ક્રમણ થયું અને પ્રવ્રયા (ગૃહત્યાગ) થવા લાગી ત્યારે મિથિલાનગરીમાં કોલાહલ (હાહાકાર) થઈ રહ્યો.
નોંધ : મિથિલા તે કાળમાં મહાન નગરી હતી. તે નગરી નીચે અનેક પ્રાંત, શહેર, નગર અને ગામો હતાં એવા રાજર્ષિ આવા દેવભોગ્ય ભોગોને ભોગવતા હોય ત્યાં એકાએક ત્યાગ ક્રૂરે એ પૂર્વજન્મનું યોગબળ જ સૂચવે છે. આવી વ્યક્તિનો સદાચાર, પ્રજાપ્રેમ, ન્યાય વગેરે ખૂબ અપૂર્વ હોય અને તેથી તેના વિરહને લઈને સ્નેહીવર્ગને આઘાત લાગે તે સ્વાભાવિક છે.
૬. ઉત્તમ પ્રવજયાસ્થાને વિરાજેલા રાજર્ષિને સંબોધી ઇંદ્રમહારાજ બ્રાહ્મણરૂપે આ વચન બોલ્યા :
નોંધ : નમિરાજર્ષિની કસોટી માટે આવેલા ઇદ્ર બ્રાહ્મણનો સ્વાંગ સજ્યો હતો. તેમણે જે પ્રશ્નમાળા પૂછી તેનો ઉલ્લેખ છે.
૭. રે ! આર્ય ! આજે મિથિલાનગરીમાં કોલાહલથી વ્યાપ્ત (હાહાકારમય) અને ભયંકર શબ્દો ઘરધર તથા મહેલ મહેલમાં શા માટે સંભળાય છે ?
૮. ત્યારબાદ આ વાતને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ વચન કહ્યું :
૯. મિથિલામાં ઠંડી છાયાવાળું, મનોહર, ફૂલ અને પાંદડાથી ભરેલું તેમ જ હંમેશાં બહુ જનોને બહુ ગુણ કરનારું એવું ચૈત્યવૃક્ષ છે.
૧૦. રે ભાઈ ! તે મનોહર ચૈત્યવૃક્ષ (આજે) પ્રચંડ વાયુથી હરાઈ જતું હોવાથી અશરણ બની ગયેલા અને તે જ કારણે દુઃખિત અને વ્યાધિથી પીડાયેલાં એવાં આ પક્ષીઓ આક્રંદ કરી રહ્યાં છે.