________________
૩૯
કાપિલિક લોભાવું તે વાત વિવેકપૂર્વક સ્વીકારી લેવી ઘટે. અહીં શિષ્યને સંબોધીને કહેવાયેલું હોવાથી તે કથનમાં તો સ્ત્રીઓની વાત આવે તે સ્વાભાવિક છે. પરંતુ વાસ્તવિક રીતે તો પુરુષ હો કે સ્ત્રી હો ! વિષયની આ વાસના જ અધોગતિ આપનારી છે.
૧૯. ઘરને ત્યાગી સંયમી થયેલો ભિક્ષુ સ્ત્રીઓ પર આસક્ત ન થાય. સ્ત્રીસંગને તજીને તેનાથી દૂર જ રહે. અને પોતાના ચારિત્ર ધર્મને સુંદર જાણીને ત્યાં જ પોતાના ચિત્તને સ્થિર કરે,
૨૦. એ પ્રમાણે આ ધર્મ, વિશુદ્ધ મતિવાળા કપિલમુનિએ વર્ણવ્યો છે. તેને જેઓ આચરશે તે તરી જશે અને તેવા પુરુષોએ જ બંને લોક (આ લોક તથા પરલોક) આરાધ્યા સમજવા.
નોંધ : રાગ અને લોભના ત્યાગથી મન સ્થિર થાય છે. ચિત્તસમાધિ વિના યોગની સાધના નથી. યોગસાધના એ તો ત્યાગીનું પરમ જીવન છે. તે સાધવા માટે કંચન અને કામિની એ બંનેનાં બંધન ક્ષણે ક્ષણે નડતરરૂપ છે. તેને ત્યાગ્યાં તો છે જ પણ ત્યાગ્યા છતાં આસક્તિ રહી જાય છે. તે આસક્તિથી દૂર રહેવા સતત જાગત રહેવું એ જ સંયમી જીવનનું અનિવાર્ય ગણાતું કાર્ય છે.
એ પ્રમાણે કહું છું. એમ કપિલમુનિ સંબંધીનું આઠમું અધ્યયન સમાપ્ત થયું.