________________
કાપિલિક
૩૫
અધ્યયન : આઠમું કાર્પિલિક
કપિલ મુનિનું અધ્યયન
મન એ જ બંધન અને મોક્ષનું કારણ છે. મનનો દુષ્ટવેગ બંધન કરે છે અને મનની નિર્મળતા મુમુક્ષુતા જગાડે છે. ચિત્તનું અનિયંત્રિતપણું ક્યાં સુધી ઘસડી જાય છે ! અને અંતરાત્માનો એક જ અવાજ લક્ષ્ય આપવાથી કેવી રીતે અધઃપતનમાંથી બચાવી લે છે ? ‘કપિલ મુનીશ્વર કે જે આખરે અનંત સુખ પામી મુક્ત થયા છે તેના પૂર્વજીવનમાંથી' તેનો મૂર્તિમાન બોધપાઠ અહીં મળી શકે છે.
કપિલ કૌશાંબી નગરીમાં વસેલા એક ઉત્તમ એવા બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. યુવાન વયમાં માતાની આજ્ઞાથી શ્રાવસ્તી નગરીમાં આવી એક દિગ્ગજ પંડિતને ત્યાં વિદ્યાધ્યયન માટે લાગી પડ્યા હતા. યૌવન વય એક પ્રકારનો નશો છે. એ નશાને વશ થઈ કૈંક યુવાનો માર્ગને ભૂલી જાય છે.
કપિલ પોતાનો માર્ગ ચૂક્યા. વિષયોની પ્રબળ વાસના જાગી. વિષયોની આસક્તિથી સ્ત્રીસંગનો નાદ લાગ્યો. સ્ત્રીસંગની તીવ્રતર લાલસાએ પાત્ર કુપાત્રને પારખવા ન દીધું. અને એ કૃત્રિમ સ્નેહના ગર્ભમાં રહેલી વિષયના ઝેરી વાસનાને પોષનાર તેવું જ એક સમાન પાત્ર શોધી લીધું અને સંસાર વિલાસી જીવોને સર્વોત્તમ લાગતા એવા કામભોગને ભોગવવા લાગ્યા. વારંવાર ભોગવવા છતાં તેને જે રસની પિપાસા છે તે સાંપડતી નથી. અને તેમ તેમ અજ્ઞાનતાથી વિવશ થઈ અધઃપતનની ખાડમાં નીચે ને નીચે તે ઘસડાતા જાય છે.
એકદા લક્ષ્મી અને સાધનોથી હીન અને દીન બનેલા તે પત્નીની પ્રેરણાથી મહારાજના દરબારમાં (પ્રતિદિન પ્રાતઃકાલમાં પ્રથમ આવનારને સોનામહોરો આપવાનું વ્રત છે) જવા રાત્રિના છેલ્લા પ્રહરે નીકળે છે. ત્યાં ચોર ધારી રાજપુરુષો વડે પકડાય છે. ત્યાંથી મહારાજાની અનુકંપા વડે છૂટો થાય છે અને મહારાજા તેના પર પ્રસન્ન થઈ ઇચ્છા મુજબ વરદાન માગવાનું કહે છે.