________________
૩૬
ઉત્તરાધ્યયન સૂત્ર - કપિલ વિચારમાં પડે છે : “આ માગું તે માગું તેની લાલસા એટલેથી તૃપ્ત થતી નથી. આખરે આખું રાજ્ય માગવા તેનું મન લલચાય છે. અને જેવું તે વચન બહાર કાઢવા જાય છે તે જ ક્ષણે અચાનક અંતઃકરણનો અવાજ આવે છે કે રાજ્ય મેળવ્યા પછી પણ તૃપ્તિ ક્યાં હતી ?
કપિલનું હૃદય સ્ફટિક જેવું નિર્મળ હતું. તેથી એકાએક કપિલનો વિચારવેગ વળી જાય છે. ભોગોમાં ક્યાંય તૃપ્તિ જ નથી. લાલસાના પરિણામે બે માસા (સુવર્ણનો સિક્કો) માટે આવેલો હું રાજ્ય માગવા તત્પર થયો છતાં તેમાં પણ તૃપ્તિ ક્યાં ?
આખરે એ પૂર્વયોગીશ્વરના પૂર્વ સંસ્કારો જાગૃત થઈ ગયા. સાચા સુખનો માર્ગ સમજાયો. અને તે જ વખતે તેણે સૌ કંઈ બહારની ગણાતી મિલકતનો મોહ ક્ષણવારમાં ત્યાગી દીધો. બે માસાની પણ જરૂર તેને લાગી નહિ. મહારાજા અને સૌને વિસ્મિત કરી મૂક્યા અને પોતાના અંતઃકરણને જાગૃત કરી દીધું.
સંતોષ સમાન સુખ નથી. તૃષ્ણા એ જ દુ:ખની જનની છે. તૃષ્ણા શમાવવાથી તે કપિલનાં અનેક આવરણો ક્ષય થયાં. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત બન્યું, ઉત્તરોત્તર ઉત્તમ ચિંતનના પરિણામે આત્મધ્યાન કરતાં કરતાં કૈવલ્યને પામ્યો.
૧. અનિત્ય, અસ્થિર અને દુઃખથી ભરેલા સંસારમાં હું કયું કર્મ કરું કે જેથી દુર્ગતિ ન પામું. (કોઈ જિજ્ઞાસુએ પૂછ્યું.).
૨. પહેલાંની આસક્તિને છોડી દઈને કોઈ સ્થળે રાગબંધન ન કરતાં (મૂકી દેતાં દેતાં), વિષયોથી સાવ વિરક્ત થાય તો દોષો અને મહાદોષોથી પણ ભિક્ષુ મૂકાઈ જાય છે.
૩. વળી સંપૂર્ણ જ્ઞાન અને દર્શનવાળા તથા સર્વ જીવોનું હિત અને કલ્યાણ ચિંતવનારા વીતમોહ મુનિવર મહાવીર પણ જીવોની મુક્તિ માટે આ પ્રમાણે કહે છે.
૪. સર્વ પ્રકારની ગ્રંથિઓ (આસક્તિ) તથા કલહ (કલેશચિત્ત)ને ભિક્ષુએ છોડી દેવાં. સર્વ કામ સમૂહોને (ભોગોને) જોવા છતાં સાવધ એવો સાધક લેપાતો નથી.
૫. પણ ભોગરૂપ આમિષ (ભોગ્ય વસ્તુઓના દોષોથી કલુષિત, હિતકારી માર્ગ અને મુમુક્ષુ બુદ્ધિથી વિમુખ એવો બાલ, મંદ અને મૂઢ જીવાત્મા બળખામાં માખીની માફક (સંસારમાં) બંધાઈ જાય છે.