________________
અસંસ્કૃત
૧૯
અધ્યયન : ચોથું
અસંસ્કૃત
જીવિત ચંચલ છે. કર્મનાં ફળ ભોગવવાં જ પડે છે, તેનું નિરૂપણ આ અધ્યયનમાં ખૂબ સરસ રીતે થયું છે.
ભગવાન બોલ્યા : ૧. જીવિત સંધાય તેવું નથી માટે પ્રમાદ ન કર. ખરેખર જરાવસ્થાથી ઘેરાયેલાને શરણ નથી એમ ચિંતવ. પ્રમાદી અને તેથી હિંસક બનેલા વિવેકશૂન્ય જીવો કોને શરણે જશે ?
નોંધ : ગૌતમને ઉદ્દેશીને આ કથન કહેવાયેલું છે. છતાં ગાયમ એટલે ઈદ્રિયોનું નિયમન કરનાર મન પણ તેનો અર્થ ક્યાં નથી થતો ? આપણે આત્માભિમુખ થઈ મન પ્રત્યે તે સંબોધન જરૂર વાપરી શકીએ. (બીજી બધી વસ્તુ તૂટ્યા પછી સંધાય છે પણ જીવિતદોરી તૂટ્યા પછી કદી સંધાતી નથી.)
૨. કુબુદ્ધિવશાત્ (અજ્ઞાનવશાત) પાપનાં કામો કરીને જે મનુષ્યો ધનને મેળવે છે, કર્મના પાશથી ઘેરાયેલા અને વૈરથી બંધાયેલા તે જીવો ધનને અહીં જ મૂકીને નરકગતિમાં ચાલ્યા જાય છે.
૩. ખાતર પાડતાં (ચોરી કરતાં) પકડાયેલો પાપકર્મ કરનાર ચોર જેમ પોતાના કર્મથી કપાય છે (પીડાય છે) તેમ જીવો અહીં અને પરલોકમાં પોતાના કર્મ વડે જ પીડા પામે છે. કારણ કે કરાયેલાં કર્મોની (ભોગવ્યા વિના) મુક્તિ નથી.
નોંધ : જે જેવાં કર્મ કરે છે તેને તે જ ભોગવે છે. કર્તા બીજો અને ભોક્તા બીજો હોઈ શકે જ નહિ એ ન્યાયે આ લોકમાં જે કર્મનાં પરિણામ ન મળ્યાં હોય તે પરલોકમાં મેળવવા જન્મ ધારણ કરવો જ પડે છે એમ પુનર્ભવની સિદ્ધિ સ્વયં થઈ જાય છે.
૪. સંસારને પામેલો જીવ પારકાને માટે કે પોતાના જીવન વ્યવહારમાં) જે કર્મ કરે છે તે કર્મના ઉદય (પરિણામ) કાળમાં (તને પોતાને જ ભોગવવું પડે છે.) તેના (ધનમાં ભાગ પડાવનાર) બાંધવો કર્મમાં ભાગ પડાવતા નથી.