________________
ઉત્તરાધ્યયન સૂત્ર
નોંધ : કર્મવશાત્ જીવાત્માની જેવી યોગ્યતા સ્વાભાવિક રીતે જ બની ગઈ હોય છે તેવા સ્થાનમાં તે યોજાય છે.
૧૬
૪. એકાદ વખતે ક્ષત્રિય થાય છે. કદાચિત્ ચંડાલ થાય છે, કવિચત્ બુક્કસ થાય છે. કોઈ વખતે કીડો કે પતંગ થાય છે. વળી કોઈ વખતે કુંથવો (નાનોજંતુ) કે કીડી પણ થાય છે.
નોંધ : જેની માતા બ્રાહ્મણી તથા પિતા ચાંડાલ હોય તે બુક્કસ કહેવાય છે. અર્થાત્ એવી મિશ્ર જાતિમાં જન્મ લે છે.
૫. કર્મથી વિંટાયેલાં પ્રાણીઓ આ પ્રકારે સંસારચક્રમાં ફરે છે. અને સર્વાર્થોમાં ક્ષત્રિયોની જેમ સંસારમાં રહેવા છતાં વૈરાગ્ય પામતા નથી. નોંધ : ચાર વર્ણોમાં ક્ષત્રિયોને વધારે ભોગી માની તેની ઉપમા અહીં આપેલી છે.
૬. કર્મના પાશથી જકડાયેલા અને તેથી બહુ વેદના પામેલા દુ:ખી જીવો અમાનુષી (નરક કે તિર્યંચ) યોનિમાં હણાય છે.
૭. કર્મોના ક્રમિક નાશ થયા પછી શુદ્ધિ પામેલા જીવો અનુક્રમે મનુષ્ય ભવને પામે છે.
નોંધ : મનુષ્યભવને શાસ્ત્રકારોએ ઉત્તમ માન્યો છે. કારણ કે વિકાસનાં બધાં સાધનો ત્યાં પ્રાપ્ત થાય છે.
૮. મનુષ્ય શરીર પામીને પણ તે સત્યધર્મનું શ્રવણ દુર્લભ છે કે જે ધર્મને સાંભળવાથી જીવો તપશ્ચર્યા, ક્ષમા અને અહિંસાને પામે.
નોંધ : સત્સંગ, સત્ય કે સદ્ધર્મની પ્રાપ્તિ કે ઝાંખી ત્યારે જ થઈ ગણાય કે જ્યારે આપણા સદ્ગુણો જાગૃત થાય.
૯. કદાચિત્ તેવું શ્રવણ પણ થાય છતાં શ્રદ્ધા તો અત્યંત દુર્લભ છે. કારણ કે ન્યાયમાર્ગ (મુક્તિમાર્ગ)ને સાંભળ્યા છતાં પણ ઘણા જીવો પતિત થાય છે.
નોંધ : શાસ્ત્રનું અને ગુરુવચનનું સત્યબુદ્ધિથી નિશ્ચયપૂર્વક ધારણ કરવું તેવી સ્થિતિને શ્રદ્ધા કહેવાય છે. શ્રદ્ધાળુ માણસ સાંભળ્યા પછી બેસી ન રહે.
૧૦. મનુષ્યત્વ, શ્રવણ અને વિશ્વાસ પામ્યા પછી સંયમની શક્તિ તો દુર્લભ જ છે. ઘણા જીવો સત્ય પ્રત્યે રુચિ ધરાવતા હોય છે, છતાં તેને આચરી શકતા નથી.