________________
ચતુરંગીય
૧૫
અધ્યયન : ત્રીજું ચતુરંગીય
ચાર અંગ સંબંધી
વૃક્ષો—પહેલાં મૂળ, શાખા, પ્રશાખા, પુષ્પ અને પછી ફળ પ્રસવે છે. અર્થાત્ કે ક્રમપૂર્વક ઊગે છે, ફૂલે છે અને ફળે છે. જેમ આખી સૃષ્ટિમાં આ નિયમ વ્યાપક છે, તેમ જીવનની ઉન્નતિનો પણ ક્રમ છે. જીવનવિકાસની ભિન્નભિન્ન ભૂમિકાઓ એ તેનો ક્રમ કહેવાય, ક્રમ વિના આગળ પણ ન વધાય, માટે એ જીવનવિકાસનો અનુક્રમ જે ચાર ભૂમિકાઓમાં ભગવાન મહાવીરે બતાવ્યો છે, તે આ અધ્યનનમાં વર્ણવાયો છે.
ભગવાન બોલ્યા :
૧. પ્રાણીમાત્રને આ ચાર ઉત્તમ અંગો (જીવન વિકાસના વિભાગો) પ્રાપ્ત થવાં આ સંસારમાં દુર્લભ છે : (૧) મનુષ્યત્વ, (૨) શ્રુતિ (સત્ય શ્રવણ), (૩) શ્રદ્ધા (અડગ વિશ્વાસ), (૪) સંયમની શક્તિ.
નોંધ : મનુષ્યત્વ એટલે મનુષ્ય જાતિનો વાસ્તવિક ધર્મ. મનુષ્યદેહ મળ્યા પછી પણ મનુષ્યત્વ પ્રાપ્ત કરવાનું હોય છે જ. મનુષ્યત્વનાં વાસ્તવિક ચાર લક્ષણો છે : (૧) સહજ સૌમ્યતા, (૨) સહજ કોમળતા, (૩) અમત્સરતા (નિરભિમાનિતા), (૪) અનુકંપા. આટલી સારાસાર વિચારોની યોગ્યતા પછી જ સત્ વસ્તુઓનું શ્રવણ થાય. શ્રવણ થયા પછી જ સાચો વિશ્વાસ જાગે. વિશ્વાસ થાય એટલે અર્પણતા પ્રાપ્ત થાય અને આટલી અર્પણતા પછી જ ત્યાગ સંભવે.
૨. આ સંસારમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં જુદા જુદાં કર્મો કરીને ગોત્ર અને જુદી જુદી જાતિઓમાંથી ભિન્નભિન્ન સ્થાને પ્રજાઓ (જીવો) ઉત્પન્ન થાય છે અને તેનાથી વિશ્વ વ્યાપ્ત થયું છે.
નોંધ : કર્મવશાત જ જીવો સંસારમાં જુદે જુદે સ્થળે ઉત્પન્ન થાય છે. (ઈશ્વર તેને ઉત્પન્ન કરે છે તે સંગત લાગતું નથી.)
૩. જેવા પ્રકારનાં કર્મો હોય, તેવી રીતે જીવો કદાચિત્ દેવલોકમાં નરક યોનિમાં અને કદાચિત્ આસુરી યોનિમાં ગમન કરે છે.