________________
૧૩
પરિષદ
૩૯. અલ્પ કષાય (ક્રોધાદિ)વાળો, અલ્પ ઇચ્છાવાન, અજ્ઞાત ગૃહસ્થોને ત્યાં ભિક્ષાર્થે જનાર તથા સરસ આહારમાં તૃષ્ણા ન રાખનાર તત્ત્વબુદ્ધિવાળા ભિક્ષ રસોમાં આસક્ત ન બને અને અનુતાપ પણ ન કરે. (કોઈનો ઉત્કર્ષ જોઈ ઈર્ષાળુ પણ ન બને.)
૪૦. “મેં ખરેખર અજ્ઞાન ફળવાળાં (જ્ઞાન ન પ્રગટે એવાં) કર્મો કર્યા છે કે જેથી હું ક્યાંક કોઈથી પણ પૂછાઉં તો કશું જાણી શક્તો નથી કે જવાબ આપી શકતો નથી.
૪૧. પણ હવે પાછળથી “જ્ઞાનફળવાળાં કર્મ ઉદય પામશે !' આમ કર્મના વિપાકને ચિંતવી આવા સમયે આશ્વાસન લે.
નોંધઃ પુરુષાર્થ કરવા છતાં અલ્પબુદ્ધિને લઈને તર્કબુદ્ધિ ન ઉદ્ભવે તો તેથી હતાશ ન થતાં પુરુષાર્થ કર્યા કરવો.
૪૨. “હું નિરર્થક જ મૈથુનથી નિવૃત્ત થયો, (ગૃહસ્થાશ્રમ છોડી બ્રહ્મચર્ય ધારણ કર્યું.) ફોકટ જ ઇંદ્રિયોનાં દમન કર્યા, કારણ કે ધર્મ એ કલ્યાણકારી છે કે અશુભ ફળ આપનાર છે તેને પ્રત્યક્ષ જોઈ શકતો નથી. (કર્મના ફળને સાક્ષાત્ ન જોઉં તો શા માટે કષ્ટ વેઠવું ?)
૪૩. વળી તપશ્ચર્યા આયંબિલ ઇત્યાદિ ગ્રહણ કરીને તથા સાધુની પ્રતિમા (ભિક્ષુઓના બાર અભિગ્રહોની ક્રિયા)ને પાળીને વિચરવા છતાં મારું સંસાર ભ્રમણ કેમ જતું નથી ?
૪૪. માટે પરલોક જ નથી કે તપસ્વીની ઋદ્ધિ પણ લાગતી નથી. માટે ખરેખર હું સાધુપણું લઈ ઠગાયો છું એવું એવું ભિક્ષુ ન ચિંતવે,
૪૫. ઘણા તીર્થકરો (ભગવાન) થઈ ગયા, થાય છે અને થશે. તેઓએ જે કહ્યું તે બધું ખોટું જ કહ્યું છે. (અથવા તીર્થકરો થઈ ગયા, થાય છે અને થશે તેમ કહેવાય છે તે ખોટું છે) એમ પણ ભિક્ષુ ન ચિંતવે.
નોંધ : માનવબુદ્ધિ પરિમિત છે. જ્યારે ભાવો અપરિમિત છે. જગતની બધી વસ્તુ આપણે જોઈ પણ ન શકીએ તેમ કલ્પી પણ ન શકીએ. તેથી વિવેકપૂર્વક શ્રદ્ધા રાખી આગળ વધવું એ જ ઉત્તમ છે.
૪૬. આ બધા પરિપહો કાશ્યપ ભગવાન મહાવીરે કહેલા છે. તેને જાણીને (અનુભવીને) ભિક્ષ કોઈ સ્થળે તેમાંના કોઈથી પણ પીડાયા છતાં ન હણાય.