________________
ઉત્તરાધ્યયન સૂત્ર પરિષહ, (૬) અવસ્ત્રનો પરિષહ, (૭) અરતિ (અપ્રીતિ) પરિષહ, (૮) સ્ત્રીનો પરિષહ, (૯) ચર્યા (ગમન) પરિષહ, (૧૦) બેઠકનો પરિષહ, (૧૧) આક્રોશ વચનનો પરિષહ, (૧૨) વધનો પરિષહ, (૧૩) શય્યાનો પરિષહ, (૧૪) યાચનાનો પરિષહ, (૧૫) અલાભનો પરિષહ, (૧૬) રોગનો પરિષહ, (૧૭) તૃણસ્પર્શનો પરિષહ, (૧૮) મેલનો પરિષહ, (૧૯) સત્કારતિરસ્કાર (માનાપમાન)નો પરિષહ, (૨૦) પ્રજ્ઞા (બુદ્ધિ)નો પરિષહ, (૨૧) અજ્ઞાનનો પરિષહ, (૨૨) અને દર્શનનો પરિષહ.
૧. હે જંબૂ ! પરિષહોનો જે વિભાગ ભગવાન કાશ્યપે વર્ણવ્યો છે તે તમોને ક્રમથી કહીશ. મને સાંભળો.
૨. ખૂબ ભૂખથી દેહ ઘેરાય છતાં આત્મ ઓજસવાળો તપસ્વી ભિક્ષુ કોઈ વનસ્પતિ જેવી વસ્તુને પણ ન છેદે કે ન છેદાવે, ન પોતે પકાવે કે ન અન્ય દ્વારા પકાવે.
નોંધ : જૈનદર્શન સૂક્ષ્મ અહિંસામાં માને છે, એટલે જેનભિક્ષુઓથી અચિત્ત (જીવરહિત) આહાર જ અને તે પણ પર માટે કરેલો હોય તેવો મળે તો જ ખાઈ શકાય. તેનાં ખૂબ કડક વિધિવિધાનો છે. અહીં તેથી જ ઉલ્લેખ કર્યો છે કે ગમે તેવી ભૂખ હોય છતાં કોઈ જીવની હિંસા ન કરવી.
૩. ધમણની માફક શ્વાસોચ્છવાસ ચાલતો હોય (આખા શરીરની નસો દેખાતી હોય), કૃશ થઈ ગયો હોય, કાગડાની ટાંગ જેવાં અંગ થઈ ગયાં હોય છતાં અન્નપાનમાં નિયમિત રહેનાર ભિક્ષુ પ્રસન્ન ચિત્તથી ગમન કરે.
નોંધ : ખોરાકની ઇચ્છા હોય છતાં ન મળે તોપણ સંયમી એમ માને કે ઠીક જ થયું, આ પણ સહજ તપશ્ચર્યા થઈ.
૪. તૃષાથી પીડાતો હોય છતાં દમિતેન્દ્રિય, અનાચારથી ડરનાર અને સંયમની લજ્જા રાખનાર ભિક્ષુ ઠંડા (ચિત્ત) પાણીને ન સેવે, પરંતુ મળી શકે તો જીવરહિત (અચિત્ત) પાણીની શોધ કરે
પ. લોકોની આવજા વગરના માર્ગમાં આકુળ તથા તૃષાથી પીડાતો હોય, અત્યંત મુખ સુકાતું હોય તોપણ જરાય દીન ન થતાં તે પરિવહન પ્રસન્નતાથી સહન કરે.
નોંધ : આવજા વગરના માર્ગમાં કોઈ જલાશય હોય તો અહીં કોઈ નથી તેમ ધારી પીવાનું મન થઈ જાય, એ હેતુએ અહી તે સ્થાન લીધું છે.