________________
વિનયક્ષત
૧૫. પોતાનો આત્મા જ દમવો જોઈએ, કારણ કે આત્મા એ જ દુર્દશ્ય છે. આત્મ-દમન કરવાથી આ લોક અને પરલોકમાં પણ સુખી થવાય છે.
૧૬. “તપ અને સંયમથી મારા આત્માને દમવો તે જ ઉત્તમ છે. હું બીજું બંધનો કે મારથી રખે દમાઉં !'
નોંધ : આ શ્લોક સ્વયં આપણા પર ઉતારવાનો છે. સંયમ અને તપથી શરીરનું દમન થાય છે તે સ્વતંત્ર હોય છે. પણ અસંયમ અને સ્વચ્છેદથી ઉપસ્થિત થતું દમન પરતંત્ર અને તેથી વધુ દુઃખદ થઈ પડે છે.
૧૭. વાણી કે કર્મથી, છાની રીતે કે પ્રગટરૂપે કદી પણ જ્ઞાનીજનો (ગુરુજનો) સાથે વૈર ન કરવું.
મહાપુરુષો પાસે બેસવાની શિષ્ટતા બતાવે છે : ૧૮. ગુરુજનોની પીઠ પાસે કે આગળ પાછળ ન બેસવું. તેમ એકદમ પાસે બેસી પગ સાથે પગ ન અડાડવા. વળી શય્યા કે પોતાના આસન પર બેસીને પ્રત્યુત્તર ન આપવો.
૧૯. ગુરુજનોની પાસે પગ પર પગ ચડાવી ન બેસવું કે પગના ગોંઠણ છાતી પાસે રાખી હાથ બાંધી ન બેસવું. પગ ફેલાવીને પણ ન બેસવું.
૨૦. આચાર્ય બોલાવે તો કદી મીંઢ (મૌન) ન થવું. મુમુક્ષુ અને ગુરુકૃપાના ઇચ્છુકે તુરત જ તેમની પાસે જવું.
૨૧. આચાર્ય ધીમે કે જોરથી બોલાવે ત્યારે કદી પણ બેસી ન રહેતાં વિવેકપૂર્વક પોતાનું આસન છોડીને ધીર પુરુષે તેમની પાસે જઈને સાંભળવું.
૨૨. શય્યામાં કે આસને રહીને કદી પૂછવું નહિ. ગુરુ પાસે આવી હાથ જોડી નમ્રતાપૂર્વક બેસી કે ઊભા રહીને સમાધાન કરવું.
૨૩. આવા વિનયી શિષ્યને સૂત્રવચન અને ભાવાર્થ બંને વસ્તુ અધિકાર મુજબ ગુરુએ સમજાવવી. (એ ગુરુધર્મ છે.)
ભિક્ષુઓએ વ્યવહાર કેવો રાખવો તે બતાવે છે : ૨૪. ભિક્ષુએ ખોટું ન બોલવું કે નિશ્ચયાત્મક વચનો ન કહેવાં. ભાષાના દોષને છોડી દેવો અને કપટને પણ છોડી દેવું.
૨૫. પૂછે તો સાવદ્ય (દૂષિત) ન કહેવું. પોતાના સ્વાર્થ સારુ બીજાને માટે કે કોઈ બીજા કારણોથી નિરર્થક અને મર્મવાળું વચન ન બોલવું.
૨૬. બ્રહ્મચારીએ એકાંતના ઘર પાસે, લુહારની કોઢ કે અયોગ્ય સ્થાન ઉપર કે બે ઘરની વચ્ચે, તેમ જ મોટા રસ્તા પર એકલા, એકલી સ્ત્રી સાથે ન ઊભા રહેવું કે ન વાર્તાલાપ કરવો.