________________
ઉત્તરાધ્યયન સૂત્ર ૬. કૂતરું, ભૂંડ અને મનુષ્ય, એ ત્રણે દષ્ટાંતોના ભાવને સાંભળીને પોતાનું હિત ઇચ્છનાર મનુષ્ય વિનય માર્ગમાં પોતાના મનને સ્થાપે.
૭. આ ઉપરથી મુમુક્ષુ અને સત્યશોધકે વિનયની વિવેકપૂર્વક આરાધના કરવી અને સદાચાર વધારતા જવું. આમ કરવાથી તે કોઈ સ્થળે નાસીપાસ (તિરસ્કૃત) થશે નહિ.
૮. અતિ શાંત થવું અને મિત્રભાવે જ્ઞાનીજનો પાસે ઉપયોગી સાધનો શીખવાં, નિરર્થક વસ્તુઓને તો છોડી જ દેવી.
૯ મહાપુરુષોની શિક્ષાથી મૂર્ખની પેઠે કોપિત ન થવું. શાણા થઈ સહનશીલતા રાખવી. હલકા મનના માણસોનો સંગ ન કરવો. હાસ્ય અને ગમ્મતો પણ છોડી દેવી.
નોંધ : મહાપુરુષો જ્યારે શિખામણ આપતા હોય ત્યારે કેમ વર્તવું તે બિના ઉપરની ગાથામાં છે.
૧૦. ચંડાલનું કર્મ (કોપ) ન કરવું અને બહુ પ્રલાપ પણ ન કરવો. સમય પ્રમાણે શિક્ષણ કે ઉપદેશ મેળવીને પછી એકાંતમાં તે શબ્દોનું ચિંતન કરવું.
૧૧. ભૂલથી ચંડાલ કર્મ થઈ જાય તો તેને કદી છુપાવવું નહિ, જે દોષ થઈ ગયો હોય તે ગુરુજન પાસે કબૂલ કરી લેવો. જો પોતાની ભૂલ ન થઈ હોય તો તેનો ખુલાસો કરી દેવો.
નોંધ : ચંડાલકર્મ એટલે દુષ્ટકર્મ, તેમાં અન્યાય, અકર્તવ્ય કે કોપ, કપટ અને વિષયનો સમાવેશ થાય છે.
૧૨. ગળિયો ઘોડો (કે પૂંછલેલ બળદ) વારંવાર ચાબૂક માગે છે, તેમ વારંવાર મહાપુરુષોની શિક્ષા ન માગવી. પરંતુ ચાલાક ઘોડો જેમ ચાબૂક જોતાં જ ઠેકાણે આવે છે તેમ મુમુક્ષુએ પાપકર્મને ભાન થતાં જ છોડી દેવું.
૧૩. સત્પરુષોની આજ્ઞાને તરછોડનાર અને કઠોર વચન કહેનાર કેટલાક દુરાચારી શિષ્યો કોમળ ગુરુને પણ ક્રોધી બનાવે છે. અને અંત:કરણને ઓળખી અનુસરતા કેટલાક ચાલાક વિનીત શિષ્યો ખરેખર ક્રોધી ગુરુને પણ શાંત કરી મૂકે છે.
નોંધ : ગુરુ કે શિષ્ય બંને સાધક દશામાં હોઈ ભૂલને પાત્ર છે. પરંતુ અહીં શિષ્ય કર્તવ્ય જ બતાવ્યું છે.
૧૪. પૂક્યા સિવાય ઉત્તર ન આપવો. પૂછે તો ખોટું ન બોલવું. ક્રોધને શાંત કરી અપ્રિય વાતને પણ પ્રિય બનાવવી.