________________
વિનયકૃત
• અધ્યયન : પહેલું
વિનયશ્રુત
-
-
-
| વિનયનો અર્થ અહીં અર્પણતા છે. જૈનદર્શનના સિદ્ધાંત પ્રમાણે પરમાત્મા પ્રત્યે અર્પણતા બજાવવાની હોય છે ત્યારે તે ભક્તિ કહેવાય છે. પરંતુ જયારે તે ગુરુજન તરફ બજાવવાની હોય છે ત્યારે તે સ્વધર્મ કે સ્વકર્તવ્ય તરીકે ઓળખાય છે. આ અધ્યયનમાં ગુરુને ઉદ્દેશી, શિષ્ય અને ગુરુના પારસ્પરિક ધર્મો બતાવેલા છે.
અર્પણતાથી અહંકારનો લય થાય છે. અહંકારના નાશ થયા વિના આત્મશોધન થઈ શકતાં નથી અને આત્મશોધનના માર્ગ વિના શાંતિ કે સુખ નથી. સૌ કોઈ જિજ્ઞાસુને અવલંબન (સત્સંગ)ની આવશ્યકતા હોય જ છે.
ભગવાન બોલ્યા : ૧. સંયોગથી વિશેષ કરીને મુકાયેલા અને ઘરબારના બંધનથી છૂટેલા ભિક્ષુના વિનયને પ્રગટ કરીશ. તમે કમપૂર્વક અને સાંભળો.
નોંધ : સંયોગ એટલે આસક્તિ, આસક્તિ છૂટે ત્યારે જ જિજ્ઞાસા જાગે. એટલે ઘરબારનું મમત્વ ઊડી જાય. આવી ભાવના શું આપણે જીવનમાં નથી અનુભવતા ?
૨. જે આજ્ઞાને પાળનાર, ગુરુની નિકટ રહેનાર અને ઇંગિત તથા આકાર (મનોભાવ તથા મુખાદિના આકાર)ને જાણનાર હોય તે વિનીત કહેવાય છે.
નોંધ : આજ્ઞાપાલન, પ્રીતિ અને વિચક્ષણતા–આ ત્રણે ગુણો અર્પણતામાં હોવા જોઈએ. નિકટનો અર્થ પાસે રહેવું તેટલો જ નથી, પણ હૃદયમાં સ્થાન જમાવવું તે છે.
૩. આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર, ગુરુજનોના હૃદયથી દૂર રહેનાર, શત્રુસમાન (વિરોધી) અને અવિવેકી પુરુષ અવિનીત કહેવાય છે.
૪. જેમ સડેલી કૂતરી સર્વ સ્થળેથી અપમાન પામે છે એમ શત્રુ જેવો, વાચાળ અને દુરાચારી (સ્વચ્છેદી) સર્વ સ્થળેથી તિરસ્કાર પામે છે.
૫. ભૂંડ સુંદર અનાજના ડૂડાને છોડીને વિષ્ટાને ખાવું પસંદ કરે છે, તેમ સ્વચ્છંદી મૂર્ખ સદાચાર છોડી સ્વચ્છેદે વિચરવામાં જ આનંદ માને છે.