________________
૨૪)
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : છત્રીસમું જીવાજીવવિભક્તિ જીવાજીવ પદાર્થોનો વિભાગ
ચેતન; જડ (કર્મ)ના સંસર્ગથી જન્મમરણના ચક્રમાં ફરે છે એનું નામ સંસાર. આવા સંસારની આદિ કેમ કઢાય ? જ્યારથી ચેતન ત્યારથી જડ એમ આ બંને તત્ત્વો જગતના અણુ અણુમાં ભર્યા છે. આપણને તેની આદિની ચિંતા નથી કારણ કે તેની આદિ કયા કાળથી થઈ તે જાણવામાં જ માત્ર આપણું કશુંયે કલ્યાણ નથી તેમ ન જાણવામાં હાનિ પણ નથી.
કારણ કે જૈનદર્શન માને છે કે સંસારની આદિ નથી અને આખા પ્રવાહની અપેક્ષાએ હજુ પણ સંસાર ચાલવાનો છે. તેમ છતાં મુક્ત જીવાત્માઓની અપેક્ષાએ મુક્તિ હતી, છે અને રહેશે.
ચેતન અને જડનો સંયોગ ગમે તેટલો નિબિડ (ઘટ) હોવા છતાં તે સંબંધ સંયોગિક સંબંધ છે. સમવાય સંબંધનો અંત હોતો નથી. પરંતુ સંયોગ સંબંધનો અંત આજે, કાલે કે વધુ કાળ પણ થવો સંભવિત છે.
આજે ચેતન અને જડ પોતપોતાનો ધર્મ ગુમાવી બેઠાં છે. ચેતનમય જડ અને જડમય ચેતન એમ પરસ્પર એવાં તો એકાકાર થઈ ગયાં જણાય છે કે સહસા તેમનો ઉકેલ પણ ન લાવી શકાય.
જડના અનાદિ સંસર્ગથી મલિન થયેલું ચેતન્ય જીવાત્મા કે બરિહાત્મા કહેવાય છે અને જ્યારે તે જીવાત્મા પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે તે સ્થિતિને અંતરાત્મા કહેવાય છે અને જે ચૈતન્યો કર્મરહિત થયાં છે. તે પરમાત્માઓ કહેવાય છે.
જીવાત્માને પ્રથમ જગતના પદાર્થોને યથાર્થ સ્વરૂપે જાણવાની ઇચ્છા થાય તેને જિજ્ઞાસા કહેવાય છે. આવી જિજ્ઞાસા પછી તે જગતનાં બધાં તત્ત્વોમાંથી મૂળભૂત બે તત્ત્વોને તારવી લે છે. એ તારવ્યા પછી જીવની ચૈતન્ય તત્ત્વ પર રુચિ ઢળે છે. અને તુરત જ એ શુદ્ધ બનાવ માટે શુદ્ધ ચૈતન્યની પ્રતીતિ કરી આગળ વધે છે. જીવનતત્ત્વનાં ભિન્ન ભિન્ન સ્વરૂપોને જાણ્યા પછી સ્વયં અજીવતત્ત્વ અને એ બંને તત્ત્વનાં સંયોગિક બળોનો વિચાર કરી લે છે.