________________
૨૩૯
અણગારાધ્યયન
૧૪. ખરીદનાર ગ્રાહક કહેવાય છે અને વેચનાર વાણિયો (વેપારી) કહેવાય છે. માટે જો ક્રયવિક્રયમાં ભિક્ષુ પડે તો તે સાધુ કહેવાતો નથી.
૧૫. ભિક્ષા માગવાના વ્રતવાળા ભિક્ષુએ યાચીને જ લેવું. ખરીદીને લેવું નહિ કારણ કે ખરીદવાની અને વેચવાની ક્રિયામાં તેની પાછળ દોષ સમાયેલો છે. માટે ભિક્ષાવૃત્તિ એ જ સુખકારી છે.
નોંધ : કંચન અને કામિની એ બે વસ્તુ સંસારનું બંધન છે, તેની પાછળ અનેકાનેક દોષો સમાયેલા છે. તેને ત્યાગ્યા પછી ત્યાગીને પરિગ્રહ તો શું? પણ તેનું ચિંતન સુદ્ધાં ન કરવું ઘટે. માટે જ ત્યાગીને માટે ભિક્ષાચરી એ જ ધર્મે બતાવ્યું છે.
૧૬. સૂત્રમાં કહેલા નિયમો પ્રમાણે આનંદિત ઘરોમાં સામુદાયિક ગોચરી કરતાં આહારની પ્રાપ્તિ થાઓ કે ન થાઓ પણ મુનિએ સંતુષ્ટ રહેવું જોઈ.
નોંધ : જે કુળો દુર્ગુણોથી નિંદાયેલાં હોય કે અભક્ષ્ય પદાર્થો ખાતાં હોય તેવાં સ્થળો છોડીને ભિક્ષુએ ભિન્ન ભિન્ન કુળોમાં નિર્દોષ ભિક્ષાવૃત્તિ કરવી.
૧૭. અનાસક્ત અને સ્વાદેન્દ્રિય ઉપર કાબૂ રાખનાર સાધુ રસનો લોલુપી ન બને. કદાચ ન મળે તો તેની વાંછા પણ ન કરે. મહામુનિ ભોજનને રસ માટે નહિ પણ સંયમમાત્રાના નિર્વાહ માટે ભોજનને ભોગવે.
૧૮. ચંદનાદિનું અર્ચન, બેઠકોની રચના, ઋદ્ધિ, સત્કાર, સન્માન, પૂજન કે પરાણે કરાવેલું વંદન, ભિક્ષુ મનથી પણ ન ઇચ્છે.
૧૯. મરણપર્યત સાધુ અપરિગ્રહપણે શરીરના મમત્વને તજીને નિયાણા રહિત થઈને શુકલધ્યાનને ચિતવે અને અપ્રતિબંધપણે વિચરે.
૨૦. કાળધર્મ (મૃત્યુ અવસર) પ્રાપ્ત થાય ત્યારે ચારે આહારનો ત્યાગ કરીને તે સમર્થ ભિક્ષુ આ છેલ્લા મનુષ્ય દેહને છોડીને સર્વ દુઃખથી છૂટી જાય.
૨૧. મમત્વ ને અહંકાર રહિત, અનાસ્ત્રવી અને વીતરાગી થઈ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને પછી કાયમની નિવૃત્તિ પામે.
નોંધ : સંયમ એ ખાંડાની ધાર છે. સંયમનો માર્ગ દેખાવમાં સરળ છતાં આચરવામાં ખૂબ કઠણ છે. સંયમી જીવન સૌ કોઈ માટે સુલભ નથી. છતાં તે એક જ માત્ર કલ્યાણનો માર્ગ છે.
એમ કહું છું : એ પ્રમાણે અણગાર સંબંધીનું પાંત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.