________________
અણગારાધ્યયન
૨૩૭
અધ્યયન : પાંત્રીસમું અણગારાધ્યયન
સંસારના બાહ્ય બંધનોથી છૂટવું પણ કંઈ સહેલું નથી. સંસારના ક્ષણભંગુર પદાર્થોમાં કૈંક બિચારા ભોગવિલાસી જીવો રાચી રહ્યા છે, રખડી રહ્યા છે અને સ્વચ્છંદી જીવન ગુજારીને આ લોક અને પરલોકમાં પરમ વેદનાને દેનારાં કર્મોનો સંચય કરી રહ્યા છે.
ત્યાં કોઈ હળુકર્મી જીવને જ સદ્ભાવ કે વૈરાગ્ય જાગે છે. અને ત્યાગની તાલાવેલી લાગે છે.
આવું ત્યાગી જીવન દુર્લભ હોવા છતાં કદાચ પામી શકાય પરંતુ ઘરબાર, સગાંવહાલાં એ બધું છોડ્યા પછી તેટલામાં જ જીવન વિકાસની સમાપ્તિ થઈ જતી નથી.
જેટલું સ્થાન ઊંચું તેટલી જ જવાબદારી અધિક થતી જવાની વગેરે કેટલાં કડક, ઉદાર અને પવિત્ર હોવાં જોઈએ તેનાં અહીં વિધાન છે. ભગવાન બોલ્યા :
૧. જે માર્ગને આચરવાથી ભિક્ષુ દુઃખનો અંત કરી શકે તેવા તીર્થકરના બતાવેલા માર્ગને હું તમને કહી સંભળાવું છું. તેને એકાગ્ર ચિત્તથી તમે સાંભળો. ૨. જે ભિક્ષુસાધક ગૃહસ્થવાસને છોડીને પ્રવ્રજ્યા માર્ગમાં ગયેલો છે તેણે આ આસક્તિઓને બરાબર સમજી લેવી જોઈએ, કે જે આસક્તિઓથી મનુષ્યો બંધાય છે.
નોંધ : સમજી લેવી એટલે બરાબર જાણીને ત્યાગ કરવો જોઈએ.
૩. તે જ પ્રમાણે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, અપ્રાપ્ત વસ્તુઓની ઇચ્છા અને મેળવેલાનો પરિગ્રહ એ પ્રમાણે આ પાંચ સ્થાનોને સંયમીએ છોડી દેવાં. ૪. ચિત્રવાળું પુષ્પ અને અગરચંદનના ધૂપથી સુગંધિત, સુંદર શ્વેત વસ્ત્રના ચંદરવાથી શણગારેલું અને સુંદર કમાડવાળું એવું મનોહર ઘર ભિક્ષુ મનથી પણ ઇચ્છે નહિ.
નોંધ : આવા સ્થાને ન રહેવા માટે જે કહ્યું છે તેનું ખાસ કારણ એ છે કે બહારનું સૌંદર્ય પણ કેટલીક વખત જોવાથી બીજકરૂપે રહેલા વિકારાદિ દોષોને ઉત્તેજિત કરવામાં નિમિત્તરૂપ થાય છે.