________________
૨ ૩૦
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : ચોત્રીસમું
લેયા
લેશ્યાના અર્થો અનેક છે. લેગ્યા એટલે કાંતિ, લેગ્યા એટલે સૌંદર્ય, લેશ્યા એટલે મનોવૃત્તિ વગેરે વગેરે. પરંતુ આ સ્થળે વેશ્યાનો રહસ્યાર્થ જીવાત્માનો અધ્યવસાય કે પરિણામ વિશેષ છે.
સંચિત (એકઠું થયેલું), પ્રારબ્ધ (ઉદયમાં આવતું) અને ક્રિયામાણ (કરાતું); આ પ્રકારનાં કર્મ જીવાત્મા (કર્મસંયોગી જીવ)માં વિદ્યમાન હોય છે. કર્મ પોતે જડવસ્તુ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ઇત્યાદિ તેના અસાધારણ ધર્મો છે. ચેતન તો જ્ઞાન, આનંદ અને સત્યમય છે. તેના આ ધર્મો જડ દ્રવ્યથી સાવ વિભિન્ન છે. આમ હોવા છતાં પણ ચેતન અને જડનો સંસર્ગ હોવાથી જડજન્ય પરિણામોની અસર તે જીવાત્મા પર થયા વિના રહેતી નથી.
સારાં માઠાં કર્મની અસરથી જીવાત્માનું માપ ઘડાઈ ગયું હોય છે તેથી તે કર્મયોગ-શરીર, ઇન્દ્રિય, આકૃતિ, વર્ણ ઇત્યાદિ પામે છે. અને તેના પૂર્વ કર્મને નિર્જરવાનું તથા નવીન કર્મને ગ્રહણ કરવાનું કાર્ય સતત ચાલુ રહે છે.
જ્યાં સુધી કર્મની મુક્તિનો સાચો માર્ગ ન મળે કે આત્મભાન ન થાય ત્યાં સુધી તેના પરિણામો વિભિન્ન ગતિ (સ્થાન)માં વિભિન્ન રીતે જીવાત્મા વેદતો જ રહે છે.
કર્મ બહુ સૂક્ષ્મ હોવાથી તે મૂળ સ્વરૂપમાં દેખી શકાય નહિ. પરંતુ નિમિત્ત મળતાં તેને અંગે જીવાત્મા પર થતી સારી માઠી અસર આપણે જરૂર જોઈ શકીએ છીએ. જેમ કે ક્રોધાદિ કષાયોનું માપ બદલાતી શરીરની આકૃતિ, હાવભાવ અને કાર્ય પરથી નીકળી આવે છે તે જ પ્રકારે લેશ્યા એ પણ જીવાત્માનો કર્મસંસર્ગથી ઉત્પન્ન થતો વિકાર વિશેષ છે.
તે પોતે કર્મરૂપ હોવાથી તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણમન, સ્થિતિ ઇત્યાદિ બધું હોઈ શકે છે. પરંતુ તે એટલું બધું સૂક્ષ્મ છે કે તેનું આપણે સ્થળ ચક્ષુ દ્વારા નિરીક્ષણ કે સ્પર્શન પ્રત્યક્ષ કરી શકીએ નહિ. તેને યથાર્થ સમજવા માટે દિવ્ય જ્ઞાનની અને દિવ્ય દર્શનની અપેક્ષા છે.