________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૮૪. એ પ્રકારે સ્પર્શમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ ક્યાંથી મળે ? જે સ્પર્શના પદાર્થો પ્રાપ્ત કરતાં કષ્ટ વેઠેલ છે તે સ્પર્શના ભોગમાં અત્યંત કલેશ અને દુ:ખ પામે છે.
૮૫. એ પ્રમાણે અમનોજ્ઞ સ્પર્શમાં દ્વેષ પામેલો તે જીવ દુ:ખના સમૂહની પરંપરા ઉત્પન્ન કરે છે અને દ્વેષ ભરેલા ચિત્તથી કર્મોને જ એકઠાં કરે છે. તે કર્મો પરિણામે તેને દુઃખકર નીવડે છે.
૮૬. પરંતુ જે મનુષ્ય સ્પર્શમાં વિરક્ત રહી શકે છે તે શોકથી રહિત થાય છે અને કમળપત્ર જળથી જેમ લેપાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં ઉપરના દુ:ખ સમૂહની પરંપરાથી લેપાતો નથી.
૮૭. ભાવ એ મનનો વિષય છે. મનોજ્ઞ ભાવ રાગના હેતભૂત અને અમનોજ્ઞ ભાવ દ્વેષના હેતુભૂત છે. જે તે બંનેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે.
૨૨૨
૮૮. મન એ ભાવનું ગ્રાહક છે અને ભાવ એ મનનો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞભાવ રાગના હેતુભૂત છે અને અમનોજ્ઞભાવ દ્વેષના હેતુભૂત છે એમ મહાપુરુષો કહે છે.
૮૯. જે જીવ ભાવોમાં તીવ્ર આસક્તિ રાખે છે તે જીવ કામ ગુણોમાં આસક્ત હાથી જેમ બનાવટી હાથણીને માટે ખાડામાં પડે છે તેમ રાગાતુર હાથીની માફક અકાળ મૃત્યુને પામે છે.
૯૦. વળી જે અમનોજ્ઞભાવ પર તીવ્ર દ્વેષ રાખે છે ત્યાં તે જ ક્ષણે તે દુઃખ પામે છે. આવી રીતે પોતાના જ દુર્દમ્ય દોષથી જીવ દુઃખી થાય છે. તેમાં ભાવનો જરાપણ દોષ નથી.
૯૧. મનોહર ભાવમાં એકાંત રક્ત રહેલો જીવ અમનોજ્ઞભાવ પર દ્વેષ રાખે છે. અને આખરે તે અજ્ઞાની દુ:ખથી ખૂબ પીડાય છે. પણ આવા દોષથી વિરાગી મુનિ લેપાતો નથી.
૯૨. અત્યંત સ્વાર્થી બનેલો મલિન અને બાલ જીવ ભિન્ન ભિન્ન ભાવની આસક્તિને અનુસરીને ચરાચર જીવોની હિંસા કરે છે. અને ભિન્નભિન્ન ઉપાયોથી તેઓને પરિતાપ અને પીડા ઉપજાવે છે.
૯૩. છતાં ભાવની આસક્તિથી અને મૂર્છાથી મનોજ્ઞભાવને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાં મળે છે ? તેનો ઉપભોગ કરતી વખતે પણ અતૃપ્તિ જ રહે છે.