________________
૨૨૦
ઉત્તરાધ્યયન સૂત્ર ૬૬. અત્યંત સ્વાર્થી બનેલો બાલ અને મલિન જીવ રસની આસક્તિને અનુસરીને અનેક પ્રકારના ચરાચર જીવોની હિંસા કરે છે. અને ભિન્ન ભિન્ન ઉપાયોથી તેને પરિતાપ અને પીડા ઉપજાવે છે.
- ૬૭. છતાં રસની આસક્તિથી અને મૂર્છાથી મનોજ્ઞ રસને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાં મળે ? તેનો ઉપયોગ કરતી વખતે પણ અતૃપ્ત જ હોય છે.
૬૮. જયારે રસ ભોગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિગ્રહમાં આસક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલો તે જીવ કદી સંતોષ પામતો નથી. અને અસંતોષના દોષથી તે દુ:ખી જીવાત્મા બીજાનું નહિ દીધેલું પણ ચોરી લે છે.
૬૯. આ પ્રમાણે નહિ દીધેલું ગ્રહણ કરનાર, તૃષ્ણાથી પરાભવ પામેલો અને રસને મેળવવા તથા ભોગવવામાં અસંતુષ્ટ પ્રાણી, લોભના દોષથી કપટ અને અસત્યાદિ દોષોને વધારે છે. અને તેથી તે જીવ દુઃખથી મુકાતો નથી.
૭૦. અસત્ય વચન બોલવા પહેલાં, ત્યારપછી કે મૃષા વાક્યનો પ્રયોગ કરતી વખતે દુષ્ટ અંત:કરણવાળો તે દુઃખી જીવાત્મા એ પ્રકારે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરતો અને રસમાં અતૃપ્ત રહેતો દુઃખી અને અસહાયી બને છે.
૭૧. એ પ્રકારે રસમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ ક્યાંથી મળે ! જે રસોને પ્રાપ્ત કરવામાં કષ્ટ વેઠેલું તે રસના ઉપયોગમાં પણ અત્યંત કલેશ અને દુ:ખ પામે છે.
૭૨. એ પ્રમાણે અમનોજ્ઞ રસમાં ઠેષ પામેલો તે જીવ દુ:ખના સમૂહની પરંપરા ઉત્પન્ન કરે છે. અને દ્વેષ ભરેલા ચિત્તથી કર્મોને જ એકઠાં કરે છે. તે કર્મ પરિણામે દુઃખકર નીવડે છે.
૭૩. પરંતુ જે મનુષ્ય રસમાં વિરક્ત રહી શકે છે કે તે શોકથી રહિત હોય છે અને જેમ કમળપત્ર જળથી લેપાતું નથી તેમ તે જીવ આ સંસારની વચ્ચે રહેવા છતાં આ દુ:ખ સમૂહની પરંપરાથી લપાતો નથી. - ૭૪. સ્પર્શ એ સ્પર્શેન્દ્રિય (કાય)નો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞ સ્પર્શ રાગના હેતુભૂત અને અમનોજ્ઞ સ્પર્શ વૈષના હેતુભૂત છે. જે તે બંનેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે.