________________
૨ ૧ ૨
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : બત્રીસમું
પ્રમાદસ્થાન
જો સંસાર અનાદિ છે તો દુઃખ પણ અનાદિ કાળથી સમજી લેવું. પરંતુ અનાદિ હોવા છતાં જો દુઃખનું મૂળ શોધી તે મૂળને જ દૂર કરી શકાય તો સંસારમાં રહેવા છતાં દુઃખથી છૂટી શકાય છે. સર્વ દુઃખથી મુકાવું તેનું નામ મોક્ષ. તે સમ્યક જ્ઞાનના અવલંબનથી આવો મોક્ષ ઘણા પુરુષોએ સાધ્યો છે, સાધી શકે છે અને સાધી શકશે જ. સર્વજ્ઞનું આ અનુભવ વાક્ય છે.
જન્મમૃત્યુના દુઃખનું મૂળ કર્મબંધન છે. તે કર્મબંધનું મૂળ મોહ છે. અને મોહ, તૃષ્ણા, રાગદ્વેષ ઇત્યાદિમાં પ્રમાદ મુખ્ય પાઠ ભજવનાર પાત્ર છે. કામભોગોની આસક્તિ એ જ પ્રમાદનાં સ્થાન છે. પ્રમાદથી અજ્ઞાનની વૃદ્ધિ થાય છે. અજ્ઞાન કે મિથ્યાત્વથી શુદ્ધ દૃષ્ટિનો વિપર્યાસ થાય છે અને ચિત્તમાં મલિનતાનો કચરો જામે છે. આથી તેવું મલિન ચિત્ત મુક્તિ માર્ગની અભિમુખ થઈ શકતું નથી.
ગુરુજન અને મહાપુરુષોની સેવા, સત્સંગ અને સદ્વાચનથી જિજ્ઞાસા જાગે છે. સાચી જિજ્ઞાસા જાગ્યા પછી સત્ય, બ્રહ્મચર્ય, ત્યાગ સંયમ એવાં ઉત્તમ અંગો પરત્વે રુચિ પ્રગટે છે અને તેવાં આચરણથી પૂર્વની મલિનતા ધોવાઈ જઈ શુદ્ધ ભાવનાઓ જાગે છે. આવી ભાવનાઓ ચિંતન, મનન અને નિદિધ્યાસનમાં ઉપયોગી અને આત્મવિકાસમાં ખૂબ સહાયક નીવડી શકે છે.
ભગવાન બોલ્યા : ૧. અનાદિકાળથી મૂળ સહિત સર્વ દુ:ખની મુક્તિનો એકાંત હિતકારી, કલ્યાણકર ઉપાયને કહીશ. મને પ્રતિપૂર્ણ (એકાગ્ર) ચિત્તથી તમે સાંભળો.
૨. સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહના સંપૂર્ણ ત્યાગથી તેમજ રાગ અને દ્વેષના ક્ષયથી એકાંત સુખકારી મોક્ષપદ પામી શકાય છે.
તે મોક્ષપદ પામવાના ઉપાય ક્યા તે બતાવે છે.
૩. બાલજીવોના સંગથી દૂર રહેવું, ગુરુજન અને વૃદ્ધ-અનુભવી મહાપુરુષોની સેવા કરવી તથા એકાંતમાં રહી ધેર્યપૂર્વક સ્વાધ્યાય-સૂત્ર તથા તેના ગંભીર અર્થનું ચિંતન કરવું એ જ મોક્ષનો માર્ગ (ઉપાય) છે.