________________
૨૦૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૩૬. સૂતી વખતે, બેસતી વખતે કે ઊભા રહેતી વખતે જે ભિક્ષુ કાયાનો સર્વ વ્યાપાર છોડી દે (હલાવે ચલાવે નહિ) તેને છઠું કાયોત્સર્ગ તપ કહ્યું છે.
૩૭. એ પ્રમાણે બે પ્રકારનાં તપ જે મુનિ યથાર્થ સમજીને આચરે છે તે પંડિત સાધક સર્વ સંસારના બંધનથી જલદી છૂટી જાય છે.
નોંધ : આ એક અનુભવીએ અનુભવેલી ઉત્તમ રસાયણ છે. આત્મદર્દીને નિવારવાનું આ જ એક અજોડ ઔષધ છે. દુઃખી અને દર્દીઓએ આ જ ઉપાયો જીવનમાં અજમાવવા અને જીવનનો સમુદ્ધાર કરી લેવો તે બીજા બધાં સાધનો કરતાં ઉત્તમ છે. - વિદ્યામાં અહંકારનો સંભવ છે. ક્રિયામાં અજ્ઞાનતા, અક્કડતા કે જડતાનો સંભવ છે. તપશ્ચર્યામાં જ્ઞાન અને ક્રિયા બંનેનો સમાવેશ છે. તેથી અહંકાર, અજ્ઞાન, અક્કડતા અને જડતા બધાં વિલય થઈ આત્મસંતોષ, આત્મશાંતિ ને આત્મતેજ પ્રગટે છે. અને તેવા જીવાત્માઓ પોતે પ્રકાશી લોકને પ્રકાશ અર્પે પોતાનાં આયુષ્ય, શરીર, ઇંદ્રિયાદિ સાધનોને છોડી સાધ્યસિદ્ધ થાય છે.
એમ કહું છું : એ પ્રમાણે તપોમાર્ગ સંબંધી ત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.