________________
૨૦૬
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૯. ૧. પેટીને આકારે, ૨. અર્ધપેટીને આકારે, ૩. ગોમૂત્રને આકારે, ૪. પતંગને આકારે, ૫. શંખાવૃતને આકારે તેના બે ભેદ ૧. પાડામાં અને ૨. પાડાબહાર, અને ૬. પહેલાં સળંગ છેડા સુધી જઈને પછી પાછો વળતાં ભિક્ષાચરી કરે. એમ છ પ્રકારે ક્ષેત્ર થકી ઉણોદરી તપ કહેવાય છે.
નોંધ : ઉપરના છએ આકારો પ્રમાણે ભિક્ષાચરી કરવાનો નિયમ માત્ર ભિક્ષુ માટે કહેવાયો છે.
૨૦. દિવસના ચાર પ્રહરમાંથી અમુક પ્રહરે ભિક્ષા મળે તો લેવી એ પ્રકારે અભિગ્રહ (સંકલ્પ) ધારી વિચરે તે કાળ થકી ઉણોદરી તપ જાણવું.
૨૧. અથવા થોડી ન્યૂન ત્રીજી પોરસીમા કે ત્રીજી પોરસીનો ચોથો ભાગ બાકી રહે ત્યારે ભિક્ષાચરી મળે તો ગ્રહણ કરીશ. એ પ્રકારનો સંકલ્પ કરે તો તે કાળથી ઉણોદરી તપ કહેવાય.
૨૨. સ્ત્રી અથવા પુરુષ અલંકાર સહિત કે રહિત અથવા બાલ, યુવાન કે વૃદ્ધ તેમ જ અમુક પ્રકારનાં વસ્ત્ર સહિત હોય
૨૩. વળી અમુક વર્ણવાન હોય, રોષ રહિત કે હર્ષસહિત હોય એવાં એવાં ચિહ્નોથી યુક્ત હોય તેવાને હાથે જ ભિક્ષા લેવી તેવો સંકલ્પ કરે તે ભાવથી ઉણોદરી તપ કહેવાય.
નોંધ : આવા કડક સંકલ્પ વારંવાર ફળે નહિ તેથી ભિક્ષા ન મળતાં વારંવાર (ભૂખ્યા રહેવાથી) તપશ્ચર્યા થાય તે સંભવિત છે.
૨૪. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે જે વર્ણન કર્યું એ ચારે નિયમો સહિત થઈ જે ભિક્ષુ વિચરે તે પર્યવીર તપશ્ચર્યા કરનાર કહેવાય છે.
નોંધ : પર્યવ એટલે જેમાં ઉપર કહેલા ચારે અંશ હોય તે તપને પર્યાય ઉણોદરી તપ કહેવાય છે.
૨૫. આઠ પ્રકારની ગોચરીમાં અને સાત પ્રકારની એષણામાં જે જે બીજા અભિગ્રહો ભિક્ષુ રાખે છે તે ભિક્ષાચારી તપ કહેવાય છે.
નોંધ : ત્રીજી તપશ્ચર્યાને અન્ય ગ્રંગોમાં વૃત્તિ સંક્ષેપ પણ કહેલ છે. વૃત્તિ સંક્ષેપ એટલે જીવનની જરૂરિયાતો ઓછામાં ઓછી કરી નાખવી તે ત્રીજું બાહ્ય તપ કહેલ છે.
૨૬. દૂધ, દહીં, ઘી વગેરે રસો તથા સંસ્કારી રસિક ભોજન તથા બીજા પણ રસોનો ત્યાગ કરવો તે રસપરિત્યાગ નામની તપશ્ચર્યા કહેવાય છે.